Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ વર્ધાની એક હોસ્પટલમાં માનવ કંકાલ અને ખોપડીઓ મળી, પોલીસે તપાસ શરૂ કરી

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી નિઠારી જેવી ઘટના સામે આવી છે. અહીંની ખાનગી હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ માનવ હાડપિંજર કોના છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

વર્ધાના આરવી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી માનવ હાડપિંજર અને ખોપડીઓ મળી આવી હતી. ગેરકાયદે ગર્ભપાત કેસની તપાસ કરતા હોસ્પિટલ પહોંચેલી પોલીસની ટીમે બાયોગેસ પ્લાન્ટની તપાસ કરતા પોલીસ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.  પ્લાન્ટમાંથી 11 માનવ ખોપરી અને 56 ગર્ભના અવશેષ મળી આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાંથી સોનોગ્રાફી મશીનના કાગળ જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે 13 વર્ષની છોકરીના ગેરકાયદેસર ગર્ભપાત માટે હોસ્પિટલના ડૉક્ટર રેખા કદમ અને એક નર્સની પણ ધરપકડ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર 13 વર્ષની સગીરા ગર્ભવતી બની અને કદમ હોસ્પિટલમાં 30,000 રૂપિયામાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હતો. આ પછી પીડિત છોકરીના માતા-પિતા અને આરોપી છોકરા વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો પોલીસે ગર્ભપાતના આરોપમાં ડો.રેખા કદમ સહિત સગીર યુવક અને તેના માતા-પિતાની ધરપકડ કરી.

પોલીસે જણાવ્યું હતું કે, તમામ હાડપિંજરને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે એ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે હોસ્પિટલે આ ભ્રૂણનો કાયદેસર રીતે કે ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવ્યો હતો. પોલીસનું કહેવું છે કે હોસ્પિટલ પ્રશાસને 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીનો ગર્ભપાત કરાવતા પહેલા અધિકારીઓને જાણ કરી ન હતી.