મુંબઈ, 16 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રની પ્રતિષ્ઠાભરી મુંબઈ અને પુણે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની પ્રક્રિયા તેજ બની છે. અત્યાર સુધીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ અને પુણે બંને મહાનગરોમાં મજબૂત પકડ જમાવી છે. મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠકો પૈકી 109 બેઠકો ઉપર ભાજપ આગળ છે. જ્યારે 64 બેઠક ઉપર શિવસેના(U), 16 ઉપર કોંગ્રેસ અને 20 બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. બીએમસીની ચૂંટણીના પ્રાથમિક તારણોમાં હાલની સ્થિતિએ ભાજપના મેયર બની રહ્યાં છે.
મુંબઈમાં ભાજપે સત્તાવાર રીતે બે બેઠકો જીતી લીધી છે. વોર્ડ નંબર 2 માંથી તેજસ્વિની ઘોષાલકર 16484 મતો સાથે વિજેતા બન્યા છે, તેમણે શિવસેના (UBT) ના ધનશ્રી કોલગેને હરાવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 214 માંથી ભાજપના અજિત પાટીલ વિજયી જાહેર થયા છે.
પુણે મહાનગરપાલિકા (PMC) માં ભાજપે વિરોધ પક્ષોનો સફાયો કર્યો હોય તેવું જણાય છે. પ્રારંભિક આંકડા મુજબ 6 બેઠકો ઉપર ભાજર, 7 બેઠકો ઉપર એનસીપી અને 5 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે. જ્યારે શિવસેનાના બંને જૂથો પુણેમાં હજુ સુધી ખાતું પણ ખોલાવી શક્યા નથી.
મતગણતરી દરમિયાન છત્રપતિ સંભાજી નગરમાં પોલીસ અને શિવસેના નેતાઓ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. આ મામલે પોલીસ કમિશનર પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, “અમે બંને પક્ષોના નિવેદનો નોંધી રહ્યા છીએ અને સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

