Site icon Revoi.in

મહારાષ્ટ્રઃ કેટલાક મંત્રી અને ધારાસભ્યોને લાગ્યો કોરોના ચેપ, આરોગ્ય વિભાગ દોડતું થયું

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું છે કે રાજ્યના 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો કોરોના પોઝિટિવ મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 454 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. લોકોને ચેપથી બચાવવા માટે ટાસ્ક ફોર્સ સાથે બેઠકો યોજવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યોના નામ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય સચિવ પ્રદીપ વ્યાસે ડિવિઝનલ કમિશનર અને કલેક્ટરને લખેલા પત્રમાં કોરોનાના ત્રીજી લહેરને હળવાશથી ન લેવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય સચિવે તેમના પત્રમાં ચેતવણી આપી છે કે કોવિડ-19 કેસોની જીનોમિક સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે. તેમાંથી, 70 ટકા કેસોમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ નોંધાયા છે, જે જીવલેણ છે.

સ્વાસ્થ્ય સચિવે કોવિડ-19 ત્રીજી લહેર ખૂબ મોટી હોવાની આશંકા વ્યક્ત કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોવિડના ત્રીજી લહેરમાં 80 લાખ કેસ નોંધાય છે, તો મૃત્યુ દર 1% હોવાનો પણ અંદાજ છે, તો લગભગ 80 હજાર મૃત્યુ થઈ શકે છે. રાજ્યમાં મંત્રી અને ધારાસભ્યોને ચેપ લાગવાથી સરકારની ચિંતા વધી ગઈ છે.