Site icon Revoi.in

મહીસાગર: રાજ્યમાં પ્રથમવાર કોરોના ટેસ્ટીંગ માટે સંજીવની એક્સપ્રેસ બાઇકનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ મહીસાગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને આજે લુણાવાડા વિશ્રામ ગૃહ ખાતે કોરોના ત્રીજા વેવને અનુલક્ષીને સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજ્યના મંત્રી સહિત મહાનુભાવોએ કોવિડ-19 ના દર્દીઓની આરોગ્ય ચકાસણી માટે જિલ્લા તંત્ર દ્રારા નવતર અભિગમ અપનાવી સંજીવની એક્સપ્રેસ બાઇકના રાજ્યમાં પ્રથમ પ્રયોગને આવકારતા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહીસાગર જિલ્લામાં પાંચ સંજીવની એક્સપ્રેસ બાઇક અંતરીયાળ વિસ્તારોમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા કોવિડ પેશન્ટની હોમ વિઝીટ, થર્મલ ગનથી ચકાસણી, એસ.પી.ઓ.ટુ ચકાસણી, સર્વેલન્સ, કોન્ટેક ટ્રીટમેન્ટ તેમજ વધુ જરૂર જણાયેથી દર્દીને હોસ્પીટલમાં રીફર કરશે.

સમીક્ષા બેઠકમાં પ્રભારી મંત્રીએ મહીસાગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા,  આર.ટી.પ.આર. ટેસ્ટ, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કોરોનામાં અગાઉ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાની નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. આથી, કોરોનાનો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે. કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે જરૂરી છે. જો કે મહીસાગર જિલ્‍લામાં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો જેઓએ રસીનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ આપીને 105 ટકા સિધ્‍ધિ હાંસલ કરીને મહીસાગર જિલ્‍લાને ગૌરવ બક્ષવામાં સમગ્ર જિલ્‍લાનું વહીવટી-આરોગ્‍ય તંત્ર, આરોગ્‍ય કર્મીઓ સહિત જિલ્‍લાના  નાગરિકો, રાજકીય-સામાજિક અને વિવિધ સંસ્‍થાઓના પદાધિકારીઓ-અગ્રણીઓ પણ આ કાર્યમાં  સહભાગી થયા તમામને રસીકરણ કાર્યમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.