જયપુર, 27 ફેબ્રુઆરી 2026: રાજસ્થાનના પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે રાજ્યની શાસન વ્યવસ્થાને વધુ મજબૂત અને રાષ્ટ્રવાદી બનાવવા માટે શ્રેણીબદ્ધ મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. વિધાનસભામાં પંચાયતી રાજ વિભાગની ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, હવે રાજ્યની તમામ પંચાયતી રાજ કચેરીઓમાં દરરોજ સવારે અને કામકાજ પૂર્ણ થયા બાદ સાંજે પણ રાષ્ટ્રગાન ગાવાનું ફરજિયાત રહેશે.
મંત્રી દિલાવરે સ્પષ્ટ કર્યું હતું કે તમામ મંત્રાલયની કચેરીઓમાં હવે માત્ર ભારતમાં બનેલી ચીજવસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ અધિકારી વિદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરતા પકડાશે, તો તેનો ખર્ચ તે અધિકારીના ખિસ્સામાંથી વસૂલવામાં આવશે. અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ આ નિયમમાં છૂટછાટ આપવામાં આવશે.
ગ્રામીણ શાસનને સુધારવા માટે મંત્રીએ આદેશ આપ્યો છે કે, વિભાગના અધિકારીઓએ મહિનામાં ઓછામાં ઓછા ચાર વખત ગામડાઓમાં ‘રાત્રિ ચૌપાલ’ યોજવી પડશે અને ત્યાં રાત્રિ રોકાણ કરવું પડશે. જે અધિકારીઓ ગામડાઓની મુલાકાત નહીં લે, તેમની સરકારી ગાડીઓ પાછી ખેંચી લેવામાં આવશે અને તેને વ્હીકલ પૂલમાં જમા કરી દેવામાં આવશે. આ ઉપરાંત, મોનિટરિંગ સુધારવા માટે અધિકારીઓને હવે તેમના અધિકારક્ષેત્રની બહાર પણ નિરીક્ષણ કરવાની મંજૂરી અપાઈ છે.
20 હેક્ટર જમીન પર પશુઓ માટે શેલ્ટર બનાવવામાં આવશે, જેમાં તળાવો અને વૃક્ષારોપણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 400 કરોડ રૂપિયા છે. ડ્રોન સર્વેના આધારે ગામડાઓના રહેણાંક વિસ્તારોમાં મંદિરોના નામે જમીનના ‘પટ્ટા’ (ટાઇટલ) જારી કરવામાં આવશે, જેથી માલિકી હક્કના વિવાદો ઉકેલી શકાય. ભ્રષ્ટાચાર રોકવા માટે ગામડાના વિકાસના તમામ કામો અને યોજનાઓને પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.
મંત્રીએ જાહેરાત કરી હતી કે હવે ગ્રામ પંચાયતોમાં માંસ (મીટ) વેચવા માટે નગર નિગમની જેમ લાયસન્સ લેવું અનિવાર્ય બનશે. માત્ર હેલ્થ સર્ટિફિકેટ ધરાવતી દુકાનોમાં જ વેચાણની મંજૂરી મળશે. બીજી તરફ, ક્લર્ક ભરતી-2013માં થયેલી ગેરરીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે નકલી અનુભવના પ્રમાણપત્રો અને માર્કશીટમાં હેરાફેરીના કેસો સામે આવ્યા છે, જેની તપાસ હવે SOGને સોંપવામાં આવશે.

