Site icon Revoi.in

ભારત માતાના સપુત મંગલ પાંડેએ 1857માં અંગ્રેજ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા હતા

Social Share

નવી દિલ્હીઃ ભારત માતાના સપુત મંગલ પાંડેએ અંગ્રેજોના શાસનમાં પ્રથમવાર અંગ્રેજી હુકુમતનો વિરોધ કરીને ભારતની આઝાદીનો પાયો નાખ્યો હતો. જેથી જ્યારે પણ ભારતની આઝાદી અને આઝાદીના લડવૈયાઓનો ઉલ્લેખ થાય ત્યારે સૌ પ્રથમ મંગલ પાંડેનો ઉલ્લેખ કરવામાં આવે છે, આજે આઝાદીના આ પ્રથમ મહાન લડવૈયાની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેમના જન્મસ્થળ બલિયામાં આગવી રીતે ઉજવમી કરાઈ હતી. મંગલ પાંડેના વિરોધે અંગ્રેજ સરકારની ઉંઘ હરામ કરી નાખી હતી. મંગલ પાંડેના વિદ્રોહને લઈને દેશમાં આઝાદીનો જુવાળ ઉભો થયો હતો. ભારતના આઝાદીનો ઉલ્લેખ આવે ત્યારે સૌ પ્રથમ 1857નો વિપ્લવ યાદ આવે અને સૌ પ્રથમ મહાન સપુત મંગલ પાંડેની શહીદીને યાદ કરવામાં આવે છે.

ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર ભારતની આઝાદીના પ્રથમ લડવૈયા મંગલ પાંડેનો જન્મ સુદિષ્ઠ પાંડે અને માતા જાનકી દેવીના ઘરે થયો હતો. જો કે તેની જન્મતારીખને લઈને બલિયામાં બે પ્રકારની બાબતો સામે આવી છે. જિલ્લાના લોકો 30 જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ ઉજવે છે, જ્યારે નોકરીના પુરાવા મુજબ તેમનો જન્મ 19 જુલાઈ 1827 માનવામાં આવે છે. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામ નાગવાન ગામની શાળામાં થયું હતું. 1849માં તેઓ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં જોડાયા હતો. તેઓ કોલકાતા નજીક બેરકપુરની લશ્કરી છાવણીમાં 1446 નંબરના કોન્સ્ટેબલ હતા. મંગલ પાંડેના વિદ્રોહ પછી બ્રિટિશ સરકારે તેમને દેશદ્રોહી અને વિદ્રોહી જાહેર કર્યા હતા, પરંતુ અંગ્રેજો સામેના વિદ્રોહ માટે તેઓ દરેક ભારતીય માટે આઝાદીનો ચહેરો બની ગયા હતા.

ઐતિહાસિક દસ્તાવેજો અનુસાર, તે સમયે બ્રિટિશ આર્મી દ્વારા લોન્ચ કરવામાં આવેલી એનફિલ્ડ રાઈફલ P-53માં પ્રાણીઓની ચરબીમાંથી બનેલા ખાસ પ્રકારના કારતૂસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાઇફલમાં મૂકતા પહેલા મોંઢાથી કારતુસની છાલ ઉતારવી પડી હતી. અંગ્રેજો આ કારતૂસમાં ગાય અને ભૂંડની ચરબીનો ઉપયોગ કરતા હતા. આ અંગે જાણ થતાં મંગલ પાંડેએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તેની વાત સાંભળવામાં આવી ન હતી. આ પછી, તેણે સાથી સૈનિકોને પણ જાણ કરી કે બ્રિટિશ અધિકારીઓ ભારતીયોના ધર્મને ભ્રષ્ટ કરવાનો ઇરાદો ધરાવે છે. આ કૃત્ય હિંદુ અને મુસ્લિમ બંને માટે ઘૃણાજનક હતું. આ વાતની જાણ થતાં જ સમગ્ર છાવણીના સૈનિકો ગુસ્સે ભરાયાં હતા. આમ અંગ્રેજોના શાસનમાં પ્રથમવાર બળવાની શરૂઆત થઈ હતી.

29 માર્ચ 1857ના રોજ, જ્યારે નવા કારતુસ પાયદળને વહેંચવામાં આવ્યા ત્યારે મંગલ પાંડેએ તેને સ્વીકારવાની ના પાડી. આનાથી ગુસ્સે થઈને અંગ્રેજોએ તેમના હથિયારો છીનવી લેવા અને તેમનો ગણવેશ ઉતારવાનો આદેશ આપ્યો હતો. જ્યારે બ્રિટિશ ઓફિસર મેજર હ્યુસન તેમની રાઈફલ છીનવવા આગળ આવ્યો ત્યારે મંગલે તેને મોતને ઘાટ ઉતારી દીધો. અન્ય બ્રિટિશ અધિકારી લેફ્ટનન્ટ બાબ પણ માર્યા ગયા હતા.  આ ઘટના બાદ મંગલ પાંડે પર કોર્ટ માર્શલને લઈને કેસ ચલાવવામાં આવ્યો હતો અને 6 એપ્રિલ 1857ના રોજ તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદા મુજબ, તેમને 18 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવાની હતી, પરંતુ બ્રિટિશ સરકારે નિર્ધારિત તારીખના 10 દિવસ પહેલા 8 એપ્રિલ 1857ના રોજ તેમને ફાંસી આપી દીધી હતી. સ્થાનિક જલ્લાદોએ ભારત માતાના બહાદુર પુત્ર મંગલ પાંડેને ફાંસી આપવાની ના પાડી દીધી હતી. આ પછી કોલકાતાથી ચાર જલ્લાદ બોલાવ્યા બાદ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી.

(PHOTO-FILE)