Site icon Revoi.in

મણિપુર: CRPF બટાલિયન પર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં 2 જવાન શહીદ

Social Share

નવી દિલ્હીઃ મણિપુરના નરસેના વિસ્તારમાં મધ્યરાત્રિએ શરૂ થયેલા કુકી આતંકવાદીઓના હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના બે જવાનો શહીદ થયા હતા. CRPF જવાનો પર કુકી આતંકવાદીઓએ મધ્યરાત્રીએ 2.15 સમયની આજુ બાજુ હુમલો કરાયો હતો. જીવ ગુમાવનારા સૈનિકો રાજ્યના બિષ્ણુપુર જિલ્લાના નરસેના વિસ્તારમાં તૈનાત CRPF 128 બટાલિયનના હતા.

મણિપુર પોલીસના એક્સ હેન્ડલ અનુસાર, સુરક્ષા દળોએ પહાડી અને ખીણ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. NH-2 પર આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતા 348 વાહનોની અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષાના કડક પગલા લેવામાં આવ્યા છે. પહાડી અને ખીણ બંને જિલ્લાઓમાં કુલ 127 નાકા અને ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસે 139 લોકોની અટકાયત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ચૂંટણી પંચની વોટર ટર્નઆઉટ એપ અનુસાર છેલ્લા અહેવાલ સુધી 78.78 ટકા મતદાન થયું હતું. અગાઉ, 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસાની અનેક ઘટનાઓ નોંધાયા બાદ 22 એપ્રિલે આંતરિક મણિપુર મતવિસ્તારમાં 11 મતદાન મથકો પર પુનઃ મતદાન યોજાયું હતું. 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું હતું.

ભારતીય સુરક્ષાદળોએ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદ સહિતની દેશવિરોધી પ્રવૃતિઓને નાથવા માટે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન તાજેતરમાં જ છત્તીસગઠમાં ભારતીય સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 29 જેટલા નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. જેમાં ઈનામધારી નક્સલવાદીઓનો પણ સમાવેશ થાય છે.