Site icon Revoi.in

મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દારૂ કૌભાંડના કેસનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે દિલ્હી હાઈકોર્ટની અરજી કરી હતી. રાજ્યની વડી અદાલતે સુનાવણીના અંતે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ જ ગંભીર છે. હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દિલ્હી હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે.

દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સીબીઆઈ કેસમાં આ નિર્ણય આપ્યો છે. AAP નેતા મનીષ સિસોદિયાએ નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેના પર દિલ્હી હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. કોર્ટે સિસોદિયાની અરજી ફગાવી દેતા પુરાવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, આ મામલે મનીષ સિસોદિયાનું વર્તન યોગ્ય નથી. તેઓ પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે.

મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં આરોપી છે જે ફેબ્રુઆરી મહિનાથી જેલમાં છે. જસ્ટિસ દિનેશ શર્માએ સિસોદિયાની અરજીને ફગાવી દેતા કહ્યું કે, તેઓ પ્રભાવશાળી પદ પર છે અને એ વાતને નકારી શકાય નહીં કે તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટમાં મનીષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણીમાં સીબીઆઈએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સુનાવણીના અંતે ગત 11મી મેના રોજ અદાલતે આદેશ અનામત રાખ્યો હતો. દરમિયાન આજે દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ઉપર પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.