Site icon Revoi.in

રાજકોટમાં દિવ્યાંગ લોકો માટે મનપાની જાહેરાત,ઘરે વેક્સિન મળી રહે તે માટે જાહેર કર્યો નંબર

Social Share

રાજકોટ: દેશમાં કેટલાક રાજ્યો અને શહેરો હવે એવા છે કે જ્યાં 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે. હવે રાજકોટ મહાનગર પાલિકાએ પણ આ દિશામાં દોડ મુકવાની તૈયારી કરી લીધી છે. શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે મનપા આજથી 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને હવે ઘરે જઈને રસી આપશે. આ માટે એક હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે. તેના પર ફોન કરવાથી આરોગ્યની ટીમ ઘરે આવીને રસી આપી જશે.

રાજકોટ જિલ્લામાં કોઈને વેક્સિન મળવાની બાકી ન રહી જાય તે માટે ડોર ટુ ડોર જઈને વેક્સિન આપવામાં આવી રહી હતી પણ આ પ્રકારની સુવિધા રાજકોટમાં શરૂ કરવામાં આવી ન હતી. થોડા દિવસ પહેલા મીડિયામાં આ બાબતે રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો કે શહેરમાં પણ ડોર ટુ ડોર વેક્સિનેશન કરવું જોઈએ અને મ્યુનિસિપલ કમિશનરે તમામ માટે નહીં પરંતુ માત્ર દિવ્યાંગ અને અશક્ત લોકો માટે રવિવારે નિર્ણય લીધો હતો કે, સોમવારથી જ દિવ્યાંગ અને શારીરિક અશક્ત લોકોને ઘરે જઈને રસી આપવામાં આવશે.

શહેરના દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર 0281-2220600 પર ફોન કરવાથી ઘરે કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. લાભ લેનારે હેલ્પલાઇન નંબર પર સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં ફોન કરી નોંધણી કરાવવાની રહેશે. જેમાં લાભાર્થીએ મોબાઈલ નંબર, રહેણાકનું પૂરું સરનામું, વેક્સિનના પ્રથમ કે બીજા ડોઝની માહિતી આપવાની રહેશે.