Site icon Revoi.in

સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર ઓઈલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયાં

Social Share

અમદાવાદઃ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઓઈલ ઢોળાવાને કારણે અનેક ટુ-વ્હીલર સ્લીપ ખાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ માર્ગ ઉપર ઢોળાયેલા ઓઈલના નિકાલ માટે કવાયત શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં જોરશોરથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેથી માર્ગ ઉપર બેરીકેટ લગાવવામાં આવ્યા હતા. મેટ્રોની કામગીરીને કારણે રોડ સાંકડા થઈ ગયા છે. દરમિયાન આજે પીકઅવર્સમાં આ માર્ગ ઉપર ઓઈલ ઢોળાયું હતું. જે બાદ કેટલાક ટુ-વ્હીલર સ્લીપ ખાઈ ગયા હતા. આ બનાવને પગલે માર્ગ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

માર્ગ ઉપર ઓઈલ ઢોળાયાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ ઉપરાંત પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે માર્ગ ઉપર ટ્રાફિક હળવો કરવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા માર્ગ ઉપરથી ઓઈલનો નિકાલ લાવવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે માર્ગ ઉપર રેતી નાખવાનું શરુ કર્યું હતું. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

પીક અવર્સમાં આ પ્રકારની ઘટના બનતાં અનેક લોકો હેરાન થયાં હતા. સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેથી અનેક માર્ગો ઉપર બેરીકેટ મુકીને સાંકડા કરવામાં આવ્યા છે. જેના પરિણામે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આજે પીકઅવર્સમાં ઓઈલ ઢોળવવાથી ટુ-વ્હીલર સ્લીપ ખાઈ જવાની ઘટના બનતા તંત્રની સામે વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.