Site icon Revoi.in

જીવતો છે આતંકનો આકા મસૂદ અઝહર, પાકિસ્તાનના પ્રધાન ફયાઝ ઉલ હસન ચૌહાનનો ખુલાસો

Social Share

પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર હજીપણ જીવતો છે. પાકિસ્તાનના પ્રધાને સ્પષ્ટતા કરી છે કે મસૂદ અઝહરનું મોત નીપજ્યું નથી. આના પહેલા અહેવાલો આવ્યા હતા કે મસૂદ અઝહરનું મોત થઈ ચુક્યું છે. મીડિયામાં ચારે તરફ આ અહેવાલો ફેલાયા બાદ હવે પાકિસ્તાનના પ્રધાને સ્પષ્ટતા કરી છે.

પાકિસ્તાનના મિનિસ્ટર ફૈયાઝ ઉલ હસન ચૌહાને મસૂદ અઝહરના મોતની તમામ અટકળો પર વિરામ લગાવતા કહ્યુ છે કે મસૂદ અઝહર જીવતો છે. અમારી પાસે તેની મોતની કોઈ જાણકારી નથી. આના પહેલા મસૂદ અઝહરના મામલે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવર નિવેદન આપવામાં આવ્યું ન હતું.

ભારતીય મીડિયામાં મસૂદ અઝહરના મોતના અહેવાલ ફેલાતાજ ઘણી વાતો સામે આવવા લાગી હતી. ઘણાં લોકોએ દાવો કર્યો હતો કે મસૂદ અઝહર ઈન્ડિયન એરફોર્સની એર સ્ટ્રાઈક દરમિયાન માર્યો ગયો હતો. જો કે કોઈના દ્વારા આની સત્તાવાર પુષ્ટિ કરી ન હતી.

આ પહેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાને કબૂલ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ હતુ કે તે બેહદ બીમાર છે અને ઘરમાંથી બહાર પણ નીકળી શકતો નથી. કુરૈશીએ કહ્યુ હતુ કે જો ભારત મસૂદ અઝહરની વિરુદ્ધ નક્કર પુરાવા આપશે, તો પાકિસ્તાન કાર્યવાહી કરશે. તેમણે કહ્યુ હતુ કે ભારત પાકિસ્તાનને પુરાવા આપે, જે પાકિસ્તાનની કોર્ટમાં સ્વીકાર્ય હોય. જો ભારતની પાસે નક્કર પુરાવા છે, તો તેઓ આ પુરાવાને તેઓને આપે.

મીડિયામાં મસૂદ અઝહરના માર્યા જવાના અહેવાલ ફેલાયા બાદ એમ પણ કહેવામાં આવે છે કે પાકિસ્તાન આતંકવાદના આકા મસૂદ અઝહરને બચાવવાની કોશિશ કરી રહ્યું છે. જણાવવામાં આવે છે કે જાણીજોઈને અઝહરના મોતના અહેવાલો ફેલાવાઈ રહ્યા છે, કારણ કે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા મોટા દેશ યુએનએસસીમાં મસૂદ અઝહરને બ્લેકલિસ્ટ કરવાનો પ્રસ્તાવ આપી ચુક્યા છે. આના સિવાય ભારત લાંબા સમયથી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવાની માગણી કરી રહ્યું છે.