Site icon Revoi.in

રાજકોટ નજીક પ્લાયવુડની ફેકટરીમાં લાગી ભીષણ આગ પર કાબુ મેળવાયો

Social Share

રાજકોટઃ શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યે ભીષણ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો દોડી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર સુધી દેખાઈ રહ્યા હતા. ફેક્ટરીમાં પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે સતત 5 કલાકની જહેમત બાદ ફાયર ફાઈટરોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટના મોરબી રોટ પર હડાળા ગામના પાટિયા પાસે આવેલી શિવ પ્લાયવુડ ફેટકરીમાં આજે વહેલી પરોઢે આગ ફાટી નિકળી હતી. આગ લાગ્યાની જાણ થતાં રાજકોટ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમજ આગની ગંભીરતાને જોતા 4થી વધુ ફાયર ફાઈટરો અને પાણીના ટેન્કરોનો કાફલો બોલવાયો હતો. વહેલી સવારના અંધારામાં અને જ્વલનશીલ પ્લાયવુડના જથ્થાને કારણે આગને કાબૂમાં લેવાની કામગીરી ફાયર વિભાગ માટે પડકારજનક બની હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે સતત 5 કલાકની સતત જહેમત બાદ આગ પર લગભગ 80 ટકા જેટલો કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. જોકે પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં બળીને ખાખ થતા મોટા નુકસાનની શક્યતા જોવાઇ રહી છે.

રાજકોટ ફાયર સ્ટેશનના અધિકારીના કહેવા મુજબ  આગ વહેલી સવારે 4 વાગ્યે લાગી હતી અને પ્લાયવુડને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સતત 5 કલાક સુધી કામગીરી કરીને આગને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. જોકે, રાહતની વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે. હાલ બાકી રહેલી 20% આગ કાબુમાં લેવા માટે તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ટૂંક સમયમાં આગ કાબુ મેળવી લેવાશે.

Exit mobile version