Site icon Revoi.in

અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં મેગા ડિમોલેશન, 150 ઝૂંપડાંઓ પર બુલડોઝર ફરી વળ્યું

Social Share

અમદાવાદઃ શહેરમાં સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી જનકપુરી સોસાયટી નજીક એએમસી દ્વારા પોલીસના સઘન બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 150થી વધુ ઝૂંપડા અને કાચા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા હતા. દબાણ હટાવની કામગીરી દરમિયાન મહિલાઓ સહિત લોકોએ ભારે વિરોધ કર્યો હતો. અને પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. ડિમોલેશન પહેલા તમામ લોકોને સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા મ્યુનિ.ના  એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો.

શહેરના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે 150થી વધુ ગેરકાયદેસર મકાનો-ઝૂંપડાઓના મેગા ડિમોલેશનની કાર્યવાહી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. સવારે 10:30 વાગ્યે પોલીસના કાફલા સાથે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. અને ગેરકાયદેસર ઝૂંપડા-કાચા મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરાતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા પોલીસ સાથે પણ ઝપાઝપી-ખેંચતાણ જોવા મળી હતી અને અંતે કાર્યવાહી ચાલુ થતાં મહિલાઓ રોડ ઉપર માથે ઓઢીને બેસી ગઈ હતી. મ્યુનિ,ના અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિકોને 10 દિવસ પહેલાં મકાનો ખાલી કરવા તેમજ અન્ય જગ્યાએ ખસી જવા સૂચના આપી હતી, પરંતુ સૂચના અવગણતા આખરે દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

એએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સુભાષબ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડિયાની ચાલીમાં વર્ષોથી 150થી વધુ ગેરકાયદેસર ઝૂંપડાં અને મકાનો આવેલાં છે. ચીમનભાઈ બ્રિજ વધારી નવો બનાવવાનો છે. જેના કારણે આ તમામ ગેરકાયદે મકાનોને તોડવા માટે  મ્યુનિ.ના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને તેમની ટીમો દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. એલ ડિવિઝન ASP ડી.વી રાણા અને એ ડિવિઝનના ACP જયેશ બ્રહ્મભટ્ટ સહિત 10થી વધુ PI, PSI અને 100થી વધુ પોલીસના બંદોબસ્ત સાથે મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ લોકોના સામાન બહાર કાઢી લેવા સમજાવટ છતાં ન માનતા એસ્ટેટ વિભાગની ટીમની મદદથી સામાન બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મહિલાઓ ધરણાં ઉપર ઊતરી ગઈ હતી. એક કલાકની સમજાવટ છતાં પણ સ્થાનિકો માન્યા નહોતા, ત્યારબાદ પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ પર ઊતરી આવી હતી. જેને લઇ મહિલા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.

Exit mobile version