Site icon Revoi.in

દ્વારકામાં મેગા ડિમોલિશન, 130થી વધારે ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાઈ

Social Share

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે મનપા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાત દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે 130થી વધારે ગેરકાયદે દબાણ દુર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું દબાણ પણ દૂર કર્યું હતું. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે પણ કવાયત શરુ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. બીજી તરફ અનેક સ્થળો ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાથી દર્શનાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેથી દબાણ દુર કરવા સ્થાનિકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન નગરપાલિકાએ ગેરકાયદે દબાણ દુર કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરીને મેગા ડિમોલિસનનું અભિયાન શરુ કર્યું હતું. પાલિકાએ લગભગ 100 જેટલા રહેણાંક દબાણ અને 30 જેટલા કોમર્શિયલ દબાણોને દુર કર્યાં હતા.  એટલું જ નહીં ગેરકાયદેરીતે ઉભા કરાયેલા બે ધાર્મિક સ્થળ પણ દુર કરાયાં હતા. આમ તંત્ર દ્વારા લગભગ લાખોની કિંમતની 66 હજાર સ્કેવર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનના આશરે 6 માસ બાદ ફરી તંત્ર દ્વારા દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાનુ શરૂ કર્યુ છે. દરમિયાન દબાણ દુર કરવાની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે ” ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારમાં લાખો મીટર ગેરકાયદે રીતે અતિક્રમિત જમીનને ખાલી કરવા માટે રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ શરૂ કરી. ”