Site icon Revoi.in

વીજ કંપનીનું મેગા ડ્રાઇવઃ રાજ્યમાં 3730 વીજ જોડાણનું ચેકીંગ, 166 લાખની આકારણી વસુલાઈ

Social Share

અમદાવાદઃ ગેરકાયદેસર વીજ જોડાણ કરીને વીજ ચોરી કરવી એ ખૂબ ગંભીર બાબત છે. આ પ્રકારની ચોરી કરીને સરકારની તિજોરીને આર્થિક નુકશાન પહોંચાડતા વીજ ચોરોના આ કૃત્યને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ. વીજ ચોરોની સામે કડક કાર્યવાહી કરવા અને તેમને પકડવા માટે ગુજરાત પોલીસ અને વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને 3730 વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં 397 ગેરકાયદે વીજ જોડાણ પકડાયા છે. આ ગેરરીતિ બદલ તેમની પાસેથી રૂ. 165.65 લાખ આકારણીની વસુલાત કરીને કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ અને ગુજરાત પોલીસ દ્રારા સંયુક્ત મેગા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી ગેરકાયદેસર વીજ જોડાણોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર વિસ્તારમાં વીજ કંપનીની 86 ટીમો સાથે 1828 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા છે. તે પૈકી 100 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 90 લાખની આકારણી કરવામાં આવી છે. આ ચેકીંગ દરમ્યાન કેટલીક ફેકટરીઓમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેર વિસ્તારમાં વીજ કંપનીની 44ટીમો સાથે 857 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 126 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 26 લાખની આકારણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના 7 ગામો અને ધાંગધ્રા શહેર વિસ્તારમાં વીજ કંપનીની વિવિધ ટીમો સાથે 573 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. તે પૈકી 86 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 18 લાખની આકારણી કરવામાં આવી છે.

આ ડ્રાઇવ દરમ્યાન 4 ટી.સી., 500 મી. વાયર અને 7 સબમર્શીબલ પંપ મોટર કબ્જે કરવામાં આવી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં વીજ કંપનીની 37 ટીમો સાથે 472 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 85 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 31.65 લાખની આકારણી કરવામાં આવી છે. રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે રાજ્યમાં વીજચોરી અટકાવવા અલગ-અલગ જિલ્લાઓમાં મેગા ચેકીંગ ડ્રાઇવની કામગીરી કરી હતી.