Site icon Revoi.in

મેઘાનો થનગનાટ, 184 તાલુકામાં વરસાદ, હજુ પાંચ દિવસ વરસાદની આગાહી

Social Share

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં અષાઢના પ્રારંભ સાથે વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે મંગળવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન નવ તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં ગીર સોમનાથમાં ચાર ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 123 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી.

રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો. ગીરસોમનાથના સુત્રાપાડામાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. ઉમરગામ અને વેરાવળમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વીસાવદર અને ચોર્યાસીમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો હતા. માળીયા, ક્વાંટ, રાણાવાવમાં સવા ઇંચવ રસાદ નોંધાયો હતો. રાણપુર, હાંસોર, વલસાડ, કલ્યાણપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર, કોડીનાર, પોરબંદરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં મેઘરાજાની ફરી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. બે દિવસમાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર-મધ્ય અને કચ્છ વિસ્તારમાં સીઝનનો 17.70 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, વિજયનગર, શંખેશ્વર, સમી, પાટણ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો.

વરસાદે કચ્છ વિસ્તાર પર પણ મહેર વરસાવી હતી. હજુ પણ 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત સૌથી વધુ 18.37 ટકા, કચ્છ ઝોનમાં 18.31 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 17.71 ટકા અને ઉત્તર ગુજરાતમાં 16.69 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 15.91 ટકા વરસાદ પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારથી જ અષાઢી માહોલ જામ્યો હતો.  સવારથી અસહ્ય ગરમી અને બફારાને કાણે લોકો અકળાયેલા હતા ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ  પડતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.