Site icon Revoi.in

રાજ્યમાં મેઘમહેરઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના નદીઓમાં નવા પાણીની આવક

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે. દરમિયાન રાજ્યના કુલ 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો. જુનાગઢના માણાવદર અને અમરેલીના ખાંભામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથ અને જૂનાગઢના મોટા ભાગના તાલુકાકાઓમાં સારોએવો વરસાદ નોંધાયો હતો. ગીરગઢડા, રાણાવાવ અને સાવરકુંડલામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, કુતિયાણા, પોરબંદર, બોડેલી, નખત્રાણા, કપરાડા, મહુવા, ખંભાત અને વડિયા તાલુકામાં એકથી ડોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રના તળાજા, વેરાવળ, બગસરા, મુન્દ્રા, પારડી, લિલિયા, ભેસાણ, જેતપુર, માંડવી, ડાંગ, લાલપુર, સુત્રાપાડા, ડેસર, અમરેલી, પાલિતાણા, અંજાર, ડભોઇ, વિસનગર અને તલોદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યાં હતા. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સતત વરસાદ પડતો હોવાથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ખેતીમાં જોતરાયાં છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે નદી-નાળામાં નવા પાણીની આવક થઈ રહી છે. જો કે, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હજુ લોકો વરસાદની રાહ જોઈ રહ્યાં છે.