નવસારીઃ જિલ્લામાં આ વર્ષે સારોએવો વરસાદ પડ્યો છે. હવે તો મેઘરાજા વિદાય લેવાનું નામ પણ લેતા નથી. દિવસ દરમિયાન સમયાંતરે પડતા વરસાદના ઝાપટાને લીધે ખેડુતોને સેરડીના પાકને નુકશાન થવાની ભીતી લાગી રહી છે. છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડવાથી જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદી પાણી ભરાઈ જવાથી જમીનમાં શેરડીમાં ફુગ ઉત્પન્ન થાય છે તેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતનો નવસારી જિલ્લો અનેક પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણાય છે. અહીં બાગાયતી પાકો સાથે શેરડી અને ડાંગરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અવિરત વરસાદના કારણે નવી રોપાણની શેરડીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ધોધમાર વરસાદ વરસ્યા બાદ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાથી જમીનમાં ફૂગ પેદા થાય છે .જેને કારણે શેરડીના ઉત્પાદનને અસર થશે. આ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે અને પાક નિષ્ફળ જવાની સંભાવના છે. આ સ્થિતિમાં ખેડૂતોને ફેર રોપણી કરવાની ફરજ પડશે. જેને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવસારી પંથકમાં છેલ્લા ત્રણ વર્ષ ખેડૂતો માટે ભારે કપરા રહ્યા છે. કુદરતી આફતો સામે ખેડૂત લાચાર બન્યો છે. અનરાધાર વરસાદના કારણે ખેડૂતનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. શેરડીના રોપાણમાં વરસાદી પાણી ભરાઈ જતા જર્મિનેશન થતુ નથી અને શેરડી ઉગતી નથી. ખેડૂતો કહી રહ્યા છે કે, હવે જે વરસાદ પડી રહ્યો છે તે શેરડીના પાકને અને શાકભાજીના પાકને ભારે નુકસાનકારક કરશે.. વરસાદને કારણે ખાસ કરીને શેરડીના પાકમાં ફુગ બનવા લાગે છે. ખેડૂતોએ આ ફુગ દૂર કરવાની ટ્રિટમેન્ટ કરવી પડતી હોય છે.. તેની અસર ઉત્પાદન પર પણ જોવા મળે છે. શેરડીમાં નીંદામણ નાશક દવાનો ઉપયોગ કરીને તેને કંટ્રોલ કરવાનું પણ હાલના સંજોગોમાં શક્ય નથી. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ, સહિત જંતુનાશકોનો ખર્ચ એમ બેવડો માર પડે છે. તેમા પણ પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.