Site icon Revoi.in

મહેસાણા એપીએમસીની 11મી ફેબ્રુઆરીએ ચૂંટણી, ખેડુત બેઠકની 10 બેઠકો વચ્ચે રસાકસીભર્યો જંગ

Social Share

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના મહેસાણા APMCની બેઠકો પર આગામી 11 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. APMCની ચૂંટણી બિનહરીફ કરવાના છેલ્લી ઘડી સુધીના ભાજપના પ્રયાસો નિષ્ફળ જતાં ચૂંટણીનો જંગ જામશે. મહેસાણા APMCની આ ચૂંટણી 24 વર્ષ બાદ યોજાવાની છે. કારણ કે છેલ્લા 23 વર્ષથી ચૂંટણી બિનહરીફ જાહેર થતી આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા એપીએમસીમાં ખેડૂત વિભાગની સૌથી વધુ 10, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ વિભાગની 2 મળીને કુલ 16 બેઠક પર ચૂ઼ટણી યોજાવાની છે. જેમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઇ આવ્યા પછી સહકારી કાયદા મુજબ ચેરમેન અને વાઇસચેરમેન ખેડૂત કે ખરીદ વેચાણ વિભાગમાંથી ચૂંટાયેલા પ્રતિનિધી બની શકે. ત્યારે આ બંન્ને વિભાગમાંથી ડિરેક્ટર પછી ચેરમેનપદ માટે હોડ લાગશે. આ દરમિયાન એપીએમસી ચૂ઼ંટણીને લઇને રાજકારણમાં મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંક, જિલ્લા સહકારી સંઘમાં પણ આ એપીએમસી ચૂ઼ંટણીમાં ડીરેક્ટરમાં કોણ આવશે તેને લઇને ચર્ચાઓ જોર પકડી રહી છે.

મહેસાણા APMCની ચૂંટણી માટે 30 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો 31 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તો 3 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેચી લેવાની તારીખ હતી. 11 ફેબ્રુઆરીએ મહેસાણા APMC માટે મતદાન યોજાશે અને 12 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે પરિણામ જાહેર થશે. ખેડૂત વિભાગમાં 609 મતદાર, વેપારી વિભાગમાં 118 મતદાર અને ખરીદ વેચાણ વિભાગમાં 99 મતદારનો સમાવેશ થાય છે. ભાજપે ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવ્યુ છે. રાજ્યમાં મોટાભાગની એપીએમસી ભાજપના કબજામાં છે. મહેસાણા જિલ્લો ભાજપનો ગઢ ગણાય છે.