Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના ઝીરો કેસ આવતા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યોએ કરી ઉજવણી

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી હતી. આ બંને શહેરોમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ મળી આવ્યાં હતા. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન અમદાવાદ શહેરના સાયન્સ સીટી સોલા વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર રોહિત પટેલે અમદાવાદમાં કોરોનાના ઝીરો કેસ થતા સિનિયર સિટીઝન પરિવાર ગ્રુપના સભ્યો સાથે ઉજવણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સાયન્સ સીટી સોલા વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર રોહિત પટેલ અને તેમના જેવા સિનિયર સિટીઝન લોકોએ એક ગ્રુપ બનાવ્યું હતું. જેનું નામ સિનિયર સિટીઝન પરિવાર ગ્રુપ રાખવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં સિનિયર સીટિઝનો સંક્રમિત થયાં હતા. જેથી ગ્રુપના સભ્યો અવાર-નવાર સોશિયલ મીડિયા અને ટેલિફોન મારફતે એક-બીજાનો સંપર્ક કરીને ખબર અંતર પૂછતા હતા. તેમજ કોવિડ-19થી બચવા માટે જરૂરી સુચનો આપતા હતા. દરમિયાન બે મહિના પહેલા રોહિત પટેલે સિનિયર સિટીઝન ગ્રુપમાં જાહેરાત કરી હતી કે, જ્યારે પણ અમદાવાદમાં કોરોનાના ઝીરો કેસ થશે એટલે કે અમદાવાદ કોરોના મુક્ત થશે ત્યારે આપણા 100થી વધારે સભ્યોને આઈસ્ક્રીમની પાર્ટી આપીશ. હાલ અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. દરમિયાન શહેરમાં કોરોનાના ઝીરો કેસ આવ્યાં હતા. જેથી રોહિતભાઈ અને તેમના મિત્રોએ આઈસ્ક્રીમ પાર્ટી કરી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં રોહિતભાઈ અને તેમના ગ્રુપના સભ્યો લોકોને કોવિડ-19થી સાચવવા માટે સોશિયલ મીડિયાના મારફતે અપીલ પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાને નાથવા માટે મનપા તંત્ર અને સરકાર દ્વારા મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

(Photo-File)