Site icon Revoi.in

ગુજરાતના કેટલાક શહેરો-નગરોમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં વરસાદ વરસ્યો હતો. જો કે, આગામી તા. 12 અને 13મી ડિસેમ્બરના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસમાં સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.  આગામી 48 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન ઘટશે. બીજી બાજુ અમદાવાદમાં આવતી કાલે વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 13મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

ગુજરાતના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેથી ખેતરોમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ માવઠાના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે.