Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાને પગલે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નજીક પહોંચ્યું હતું.

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ધીમે ધીમે ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં નલિયામાં ઠંડીનો પારો 3 ડિગ્રી જેટલો ગગડીને 8 ડિગ્રી નજીક આવી ગયો છે. ઉત્તર ભારતમાં પડતી હાડ થીજવતી ઠંડીની અસર સમગ્ર ગુજરાતમાં પડી રહી છે. રાજ્યના પાટનગરમાં પણ નલિયા જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ વધારે ઠંડી પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે. દિલ્હી અને એનસીઆર સહિતના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે ઠંડીનું રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, જેથી જનજીવનને પણ વ્યાપક અસર થઈ રહી છે. રાતના સમયે લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. તેમજ તાપણું કરીને ઠંડીથી વચવાના પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી હતી. વહેલી સવારે ધમ્મુસને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે. આ ઉપરાંત પરિવહન સેવા પણ ખોરવાઈ છે.