Site icon Revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભની સાથે જ વરસાદી માહોલ જામ્યો છે દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડ અને પારડીમાં લગભગ સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે દરમિયાન સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના કામરેજમાં 5.96, નવસારી, ખેરગામ, સુરતના પલસાણા, ધરમપુર, વાપી, ઉમરગામમાં પાંચ ઇંચથી વધારે,વ્યારા, કોડીનાર, કુતિયાણા, માંડવી, વિસાવદર, કેશોદ, વાલોદમાં ચાર ઇંચથી વધારે, ચીખલી, સોનગઠ, વાડીઆ, ડોલવણ, જૂનાગઢ, કપરાડા, ખંભાળિયા, મહુવા, સરસ્વતી, બારડોલી, વાસંદા, ઉપલેટામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ છે. હાર રાજ્યના જળાશયોમાં 40 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 13થી 15 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.