સુરતઃ અમદાવાદની જેમ સુરત શહેરમાં પણ મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. જેમાં શહેરના ભાગળ, નવસારી બજાર, મજુરા ગેટ, ઉધના, વરાછા, કાપોદ્રા અને અડાજણ સહિતના લગભગ તમામ વિસ્તારોની અંદર મેટ્રો પ્રોજેક્ટને કારણે ભારે મુશ્કેલી થઈ રહી છે. ઠેર-ઠેર રસ્તાઓના વચ્ચોવચ ખાડા ખોદીને આડશ ઊભી કરી દેવામાં આવી છે. જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સતત શહેરભરમાં વધી રહી છે, સાંકડા રસ્તાઓની હાલત તો સૌથી વધુ ખરાબ થઈ રહી છે. સવારના પીક અવર્સમાં અને સાંજના ઘરે ફરતી વખતે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના મુખ્ય ઓવરબ્રિજ ઉપર ટ્રાફિકથી પરેશાન સુરતીઓ હવે મેટ્રો પ્રોજેક્ટના શરૂ થયેલા આ કામને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોઈ એવો રસ્તો બાકી નથી રાખ્યો કે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટને લઈને કામગીરી થતી ન હોય. તમામ રસ્તાઓની વચ્ચોવચ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. મેટ્રો પ્રોજેક્ટના પતરાની આડસ લગાવી દેવામાં આવતી હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યા તેમાં રોકાઈ જતી હોય છે. જેને કારણે વાહનચાલકોને અવરજવરનો પણ માર્ગ ખૂબ ઓછો રહે છે. તેના કારણે સતત ટ્રાફિકજામ થતો હોવાની બુમરાળ શહેરભરમાં ઉભી થઇ છે. આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેને લઈને પણ કોઈ ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો નથી એવું લાગે છે.
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મેટ્રો રેલ પ્રોજેક્ટ કમિટી સાથે અમે સતત સંપર્કમાં રહે છે. કામ ઝડપથી થાય લોકોને પરેશાની ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. ઘણા વેપારીઓ દ્વારા અને રજૂઆત પણ કરવામાં આવી હતી તેનો ઉકેલ પણ કરી દીધો છે. રસ્તા ઝડપથી ખુલ્લા થાય તેના માટે પણ અમે પ્રયાસો કરી રહ્યા છે. શહેરીજનોને ઓછામાં ઓછી તકલીફ થાય તેવો અમારો પ્રયાસ છે અને તેના કારણે અમે સતત ઝડપથી કામ પૂર્ણ થાય તેના માટે મેટ્રો રેલ કમિટી સાથે સંકલન કરી છે.