Site icon Revoi.in

મિઝોરમ : EVM ખરાબ થવાને કારણે CM ન આપી શક્યા વોટ, મતદાન મથકથી પરત ફરતી વખતે આપ્યું આ મોટું નિવેદન

Social Share

અઇજોલ:મિઝોરમમાં 40 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 4.39 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે EVM ખરાબ થવાને કારણે મુખ્યમંત્રી અને MNF નેતા જોરમાથાંગા પોતાનો વોટ આપી શક્યા નથી. મિઝોરમના સીએમ આજે વહેલી સવારે મતદાન કરવા આવ્યા હતા પરંતુ મતદાન કર્યા વગર મતદાન મથકેથી પરત ફરવું પડ્યું હતું.

 મુખ્યમંત્રીએ કહ્યું કે,’મશીન કામ કરતું નહોતું તેથી મેં કહ્યું કે હું મારા મતવિસ્તારની મુલાકાત લઈશ અને પછી મતદાન કરીશ’, જ્યારે તેઓ આઈઝોલ ઉત્તર-2 વિધાનસભા મતવિસ્તાર હેઠળના મતદાન મથક 19-આઈઝોલ વેંગલાઈ-I વાયએમએ હોલમાં મતદાન કરવા આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર છે. અમને આશા છે કે અમે આનાથી વધુ, કદાચ 25 કે તેથી વધુ બેઠકો મેળવી શકીશું. મને લાગે છે કે અમે સરળતાથી ઘણું હાંસલ કરી શકીશું.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોના આધારે જનતા ફરી એકવાર તેમને બહુમતી આપશે.

સત્તાધારી MNF, મુખ્ય વિપક્ષ ZPM અને કોંગ્રેસે તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપ 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને AAPએ 4 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ સિવાય 27 અપક્ષ ઉમેદવારો છે. મિઝોરમમાં 1,276 મતદાન મથકોમાંથી, 149 દૂરસ્થ મતદાન મથકો છે, જ્યારે આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદોની નજીકના લગભગ 30 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.મતદાન પહેલા મ્યાનમાર સાથેની 510 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ અને બાંગ્લાદેશ સાથેની 318 કિલોમીટર લાંબી સરહદ સીલ કરી દેવામાં આવી છે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે.