વૉશિંગ્ટન, 5 જાન્યુઆરી 2026 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર, ખાસ કરીને તેલની આયાતને લઈને ફરી એકવાર વિવાદાસ્પદ અને મહત્વનું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા એક ઓડિયો સંદેશમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની કડક ટેરિફ નીતિઓના કારણે જ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની ફરજ પડી છે.
પોતાના નિવેદનમાં ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવાની સાથે સાથ તેમને અમેરિકી દબાણ હેઠળ હોવાનું પણ દર્શાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, “ભારત મૂળભૂત રીતે મને ખુશ કરવા માંગતું હતું. વડાપ્રધાન મોદી ખૂબ જ સારા અને નેક માણસ છે. તેઓ સારી રીતે જાણતા હતા કે રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણયથી હું ખુશ નથી. મારા માટે તેમની આ નારાજગી મહત્વની હતી.”
ટ્રમ્પે સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે ભારત પર ટેરિફ વધારવાનો ડર કામ કરી ગયો છે. તેમણે ઉમેર્યું કે, “ભારત અને રશિયા વેપાર કરે છે, પરંતુ તેમને એ વાતની પણ ખબર હતી કે અમેરિકા તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકે છે.” ઉલ્લેખનીય છે કે, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ટ્રમ્પ સરકાર ભારત પર અગાઉ પણ વધારાના ટેરિફ અને દંડ લાદી ચુકી છે.
ભારત સિવાય ટ્રમ્પે રશિયા અને વેનેઝુએલાની આર્થિક સ્થિતિ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ બંને દેશોની અર્થવ્યવસ્થાને ‘અત્યંત ખરાબ’ ગણાવી હતી. વેનેઝુએલામાં અમેરિકી સૈન્ય અભિયાન અને કડક વલણ બાદ ટ્રમ્પનું આ નિવેદન અન્ય દેશો માટે પણ એક આડકતરી ધમકી સમાન માનવામાં આવી રહ્યું છે.
નિષ્ણાતોના મતે, ટ્રમ્પનું આ નિવેદન તેમની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ અને અન્ય દેશો પર આર્થિક વર્ચસ્વ જમાવવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર ટ્રમ્પના આ દાવાઓ પર કેવો પ્રતિસાદ આપે છે.

