Site icon Revoi.in

મોદીએ દિલ્હીના ચર્ચમાં નાતાલની પ્રાર્થનામાં લીધો ભાગ, શાંતિ અને સદભાવનો આપ્યો સંદેશ

Social Share

નવી દિલ્હી, 25 ડિસેમ્બર 2025: Christmas વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાતાલના પર્વ નિમિત્તે દિલ્હીના પ્રતિષ્ઠિત ‘કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન’ ખાતે આયોજિત વિશેષ પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાની અપીલ કરી હતી. નાતાલની સવારની આ પ્રાર્થના સભામાં દિલ્હી અને ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા. ચર્ચમાં પ્રભુ ઈસુના જન્મને વધાવવા માટે મધુર ક્રિસમસ કેરોલ્સ અને ભજનો ગાયા હતા. આ દરમિયાન દિલ્હીના બિશપ રાઈટ રેવરન્ડ ડો. પોલ સ્વરૂપે વડાપ્રધાન મોદીના સ્વાસ્થ્ય અને દેશની સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચની મુલાકાતના ફોટોગ્રાફ્સ અને વીડિયો શેર કરતા લખ્યું કે, “દિલ્હીમાં ‘કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન’ ખાતે નાતાલની સવારની પ્રાર્થના સભામાં સામેલ થયો. આ સભામાં પ્રેમ, શાંતિ અને દયાનો શાશ્વત સંદેશ જોવા મળ્યો. નાતાલની આ ભાવના આપણા સમાજમાં મેલજોલ અને પરોપકારની લાગણી જગાડે.” વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, નાતાલ નવી આશા અને દયાળુતાનું વચન લાવે છે. તેમણે ચર્ચના સભ્યો સાથેની મુલાકાતના ખાસ પળોનો વીડિયો પણ શેર કર્યો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન મોદી ખ્રિસ્તી સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. 2023માં ઇસ્ટરના અવસરે તેઓ દિલ્હીના ‘સેક્રેડ હાર્ટ કેથેડ્રલ’ ગયા હતા. ક્રિસમસ 2023 નિમિત્તે પોતાના નિવાસસ્થાને ખ્રિસ્તી સમુદાયના અગ્રણી સભ્યો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વર્ષ 2024માં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના આવાસ પર નાતાલના રાત્રિભોજનમાં અને CBCI ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમગ્ર વિશ્વમાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ આ તહેવાર વિવિધ ધર્મના લોકો હળીમળીને ઉજવે છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારતીય સંસ્કૃતિની ‘વિવિધતામાં એકતા’ અને સર્વધર્મ સમભાવના મૂલ્યોને વધુ મજબૂત કરે છે.

આ પણ વાંચોઃ ક્રીડા ભારતી અખિલ ભારતીય અધિવેશમાં દેશભરમાંથી 1200 કાર્યકર સામેલ થશે

Exit mobile version