Site icon Revoi.in

મોદી-જિનપિંગની બેઠક માટે મહાબલીપુરમ તૈયાર, દ્વિપક્ષીય અને વ્યાપારીક મામલાઓ પર થશે ચર્ચા

Social Share

ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આગામી સપ્તાહે મામલાપુરમ એટલે કે મહાબલિપુરમ ખાતે બીજી અનૌપચારીક બેઠક યોજાવાની છે. મમલાપુરમનો ચીન સાથે લગભગ બે હજાર વર્ષ જૂનો સંબંધ છે. આના કારણે આ બેઠકને ઐતિહાસિક બળ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જાણકારી પ્રમાણે, જિનપિંગ શુક્રવારે દોઢ વાગ્યે બપોરે ચેન્નઈ પહોંચશે. તે અહીં લગભગ 24 કલાક રહેશે. મોદી અને જિનપિંગ મમલાપુરમના ત્રણ પ્રસિદ્ધ સ્મારકોની મુલાકાત પણ લેશે. લગભગ એક કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો પણ થશે.

કાર્યક્રમ-

અર્જુનની તપસ્યા, પંચ રથ અને શોર મંદિરના દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે

તેના પછી મોદી-જિનપિંગ માટે ડિનરનું આયોજન કરાશે. બાદમાં જિનપિંગ હોટલ પાછા ફરશે

આગામી દિવસે બંગાળની ખાડીના કિનારે આવેલી ફાઈવસ્ટાર હોટલમાં બંને નેતાઓ વચ્ચે અનૌપચારીક બેઠક યોજાશે

આ સ્થાન પર પ્રતિનિધિસ્તરની અનૌપચારીક વાતચીત થશે

બાદમાં જિનપિંગના એરપોર્ટ જતા પહેલા મોદી આ સ્થાન પર ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ સાથે લંચ કરશે

ચીનના રાષ્ટ્રપ્રમુખ 11-12 ઓક્ટોબરે ભારત આવવાના છે

શક્તિશાળી પલ્લવ વંશના લાંબા સમય સુધી મમલાપુરમ પોર્ટ તરીકે ખ્યાતનામ રહ્યું છે. તેનો ચીન સાથે સંબંધ પમ રહ્યો છે. તેમણે પોતાના શાસનકાળ દરમિયાન ત્યાં દૂત પણ મોકલ્યા હતા. મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાતની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ 11-12 ઓક્ટોબરે બેઠક માટે ભારત આવવાના છે.

મમલ્લાપુરમ અને કાંચીપુરમનો ચીન સાથે સંબંધ રહ્યો છે

જાણીતા પુરાતત્વવિદ એસ. રાજાવેલુએ કહ્યુ છે કે તમિલનાડુના પૂર્વ તટવર્તી વિસ્તારમાં પહેલી અને બીજી સદીના સેલાડોન (માટીના વાસણો) આપણને આ વિસ્તારમાં ચીનની ગતિવિધિઓ બાબતે જણાવે છે. આ વિસ્તારમાં આપણને ચીનના સિક્કા પણ મળે છે. તેને કારણે જાણકારી મળે છે કે ચીનની સાથે ભારતના વ્યાપારીક સંબંધ પણ હતા. તેમણે કહ્યુ છે કે આ પ્રકારે અન્ય પુરાતાત્વિક પુરાવાથી જાણકારી મળે છે કે મમલ્લાપુરમ અને કાંચીપુરમના પણ ચીન સાથે સંબંધ રહ્યા છે.

પલ્લવ શાસનકાળ દરમિયાન સાતમી સદીમાં ચીનના યાત્રી હ્યુ-એન-સાંગે પણ કાંચીપુરમનો પ્રવાસ ખેડયો હતો. બૌદ્ધ ધર્મ સંદર્ભે વધુ સમજવા અને પોતાના ધર્મના મૂળ ગ્રંથોને પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હ્યુ-એન-સાંગે કાંચીપુરમની મુલાકાત લીધી હતી. કાંચીપુરમને તે જમાનામાં બૌદ્ધ ધર્મનું કેન્દ્ર માનવામાં આવતું હતું.