Site icon Revoi.in

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી, 15મી જૂનની આસપાસ થશે એન્ટ્રી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 15મી જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 96 ટકા જેટલો વરસાદ પડવાની શકયતા છે. રાજ્યમાં ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નૈતૃત્વ ચોમાસુ અંદમાન-નિકોબાર નજીક પહોંચ્યું છે. આગામી તા. 4 જૂનના રોજ ચોમાસુ વિધિવત રીતે કેરળ મારફતે ભારતમાં પ્રવેશ કરશે. જે બાદ ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં તા. 15ની જૂનની આસપાસ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે. ચાલુ વર્ષે રાજ્યમાં સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મધ્ય ભારતમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ઓડીસા મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના છે. જો કે ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસુ સામાન્યથી થોડુ ઓછું રહી શકે છે. બીજી તરફ રાજ્યમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. એટલું જ નહીં દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યમાં ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં ચોમાસાને પગલે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ વરસાદી પાણી વેડફાય નહીં તે માટે સુજલામ-સુફલામ જળસંચય યોજના હેઠળ તવાવો અને ચેકડેમની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં વધારેમાં વધારે પાણીનો સંગ્રહ કરી શકાય તેવુ પ્લાનીંગ કરવામાં આવ્યું છે.