Site icon Revoi.in

અમદાવાદમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઝાડા-ઊલટી અને ટાઈફોડના વધુ કેસ નોંધાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુંને કારણે વાયરલ કેસમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાના પર લોકોની લાઈનો જોવા મળી રહી છે. ઉપરાંત શહેરમાં પ્રદૂષિત પાણી અંગેની વધતી જતી ફરિયાદોની વચ્ચે વર્ષ-2020માં ડિસેમ્બર અંત સુધીમાં પાણીજન્ય રોગના નોંધાયેલા કેસ કરતા પણ વધુ આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં નોંધાવા પામ્યા છે. 20 નવેમ્બર સુધીમાં શહેરમાં ઝાડા-ઊલટીના 3397 કેસ નોંધાયા હતા. ઉપરાંત ટાઈફોઈડના  1900  કેસ, કમળાના 1218 તથા કોલેરાના 64 કેસ નોંધાવા પામ્યા છે.નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના  273  તથા ચીકનગુનીયાના  191  કેસ નોંધાયા હતા.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ- 2020માં જાન્યુઆરીથી ડિસેમ્બર અંત સુધીમાં ઝાડા ઊલટીના 2072  કેસ નોંધાયા હતા.જેની તુલનામાં આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં 3397 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના ગત વર્ષે કુલ  1338  કેસ નોંધાયા હતા.જેની સરખામણીમાં આ વર્ષે 20 નવેમ્બર સુધીમાં  1900  કેસ નોંધાયા છે. કોલેરાનો ગત વર્ષે એક પણ કેસ નોંધાયો નહોતો.આ વર્ષે કોલેરાના 64 કેસ નોંધાયા છે. કમળાના ગત વર્ષે  664  કેસ નોંધાયા હતા.આ વર્ષે  20 નવેમ્બર સુધીમાં  1218  કેસ નોંધાયા છે. આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેસીડેન્શીયલ ટેસ્ટ માટે અત્યાર સુધીમાં કુલ  76653  સેમ્પલ લેવામાં આવ્યા છે.જે પૈકી  202  સેમ્પલમાં કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે  8398  સેમ્પલ લેવાયા હતા.જે પૈકી  161  સેમ્પલ અનફીટ જાહેર થયા છે. મચ્છર જન્ય રોગના કેસમાં  આ મહિનામાં 20 નવેમ્બર સુધીમાં મેલેરીયાના 70  કેસ નોંધાયા છે.ઝેરી મેલેરીયાના 12 કેસ જયારે  ડેન્ગ્યુના  273  અને ચીકનગુનીયાના 191 કેસ નોંધાયા હતા.

ડેન્ગ્યુના ગત વર્ષે ૪૩૨ કેસ નોંધાયા હતા.આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૨૮૦૯ કેસ નોંધાયા છે.જયારે ગત વર્ષે ચીકનગુનીયાના ૯૨૩ કેસ વર્ષ અંત સુધીમાં નોંધાયા હતા.જેની તુલનામાં આ વર્ષે ૨૦ નવેમ્બર સુધીમાં ૧૪૯૮ કેસ નોંધાવા પામ્યા છે.

 

Exit mobile version