Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે 1200થી વધુ એસટી બસ લેવાતા અનેક રૂટ્સ રદ કરવા પડ્યાં

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સૌરાષ્ટ્રમાં 1200થી વધુ એસટી બસને સેવામાં લેવામાં આવી છે. તેના લીધે અનેક બસ રૂટ્સ કેન્સલ કરવાની ફરજ પડી છે. બસ રૂટ્સ કેન્સલ થતાં ગ્રામીણ પ્રજાને એક દિવસ માટે મુશ્કેલી પડશે. એકબાજુ ચૂંટણી અને બીજીબાજુ લગ્નગાળો આ બંને વચ્ચે એસ.ટી બસમાં મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આવતી કાલે સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાનું મતદાન હોય સૌરાષ્ટ્રની અંદાજિત 1200થી વધુ એસ.ટી બસ ચૂંટણી ફરજની કામગીરી માટે લઇ લેવામાં આવી છે જેના કારણે યાત્રિકોને જુદા જુદા રૂટની બસ મેળવવામાં ભારે મુશ્કેલી પડશે. રાજકોટની અંદાજિત 200 બસ ચૂંટણી કામગીરીમાં લેવાઈ હોવાને કારણે અપડાઉન કરતા યાત્રિકો, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને નાછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર–કચ્છના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભુજ સહિતના છ ડિવિઝનમાંથી અંદાજે 1200થી વધુ બસની ચૂંટણી કામગીરી માટે ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનમાં રાજકોટ એસટી બસપોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, ધ્રાંગધ્રા, લીંબડી અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોમાંથી બસની ફાળવણી કરાઇ છે. એકબાજુ લગ્નગાળાને કારણે એસ.ટી બસમાં યાત્રિકોનો ધસારો પણ વધુ રહેશે પરંતુ તેવા સમયે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા રૂટ પરની બસ મેળવવામાં પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડશે. ચૂંટણીના દિવસો દરમિયાન એડવાન્સ બુકિંગ કરવામાં આવેલી ટિકિટ પણ મોટી સંખ્યામાં રદ કરવી પડી છે. આજથી બે દિવસ સુધી રાજકોટ સહિત રાજ્યની અંદાજિત 4 હજારથી વધુ એસ.ટી બસ ચૂંટણી ફરજમાં રોકાશે જેના પગલે પ્રવાસીઓને પોતાના નિર્ધારિત રૂટની બસ નહીં મળે તેવી સ્થિતિ સર્જાશે.