Site icon Revoi.in

ગુજરાત પોલીસ વિભાગમાં 2023-24ના વર્ષમાં નવી 7000થી વધુ જગ્યાઓ ભરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં 7 કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી વહન કરતી ગુજરાત પોલીસ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે. રાજ્યના પોલીસ વિભાગમાં કુલ 96194નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જે પૈકી પોલીસ વિભાગમાં 22000 જેટલી પોસ્ટ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4132 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું સોગંદનામું સરકાર દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે સરકારને સવાલ પૂછયો હતો કે ખાલી પડેલી જગ્યા માટે તેમના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ? આ સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું કે વર્ષ 2023-24માં પોલીસ વિભાગમાં 7400 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.

ગુજરાતના પાલીસ વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા પર તેની અસર પડી રહી છે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટે સરકારને કેટલી જગ્યાઓખલી છે. તે એંગે સોગંદનામા મારફતે રજૂ કરવાનો આદેશ કર્યો છે આ કેસની સુનાવણી દરમિયાન સરકાર દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા પ્રમાણે મંજૂર મહેકમ 96194ની સામે 73900 પોસ્ટ ભરવામાં આવી છે. જ્યારે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં મંજૂર થયેલી 25929 પોસ્ટ પૈકી 21797 પોસ્ટ ભરાયેલી છે અને 4132 પોસ્ટ ખાલી છે.

આ પછી હાઈકોર્ટે આદેશ કરતા નોંધ્યું હતું કે સરકારના સોગંદનામા પરથી જણાય છે કે, સરકાર દ્વારા ભરતી માટેની કાર્યવાહી કરવામાં આવી છે. તેમ છતાંય હજુ પણ 21.3% જેટલી જગ્યાઓ ખાલી છે. તે ઉપરાંત જાહેર આંદોલનો, રેલી વગેરેમાં કોઈ જાહેર કે ખાનગી સંપત્તિને નુકસાન ન થાય એ માટે કેવા આયોજનો અને તૈયારીઓ કરવી તેની ગાઈડલાઈન્સ સરકારે બનાવી છે તેથી ઓથોરિટી વધુ સોગંદનામું કરીને તેમના આગામી આયોજનો અંગેનો રિપોર્ટ રજૂ કરવા જણાવાયું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે 2019માં સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોલીસ મહેકમ મુદ્દે સુઓમોટો રિટ દાખલ કરવામાં આવી હતી જેમાં મુખ્ય ત્રણ મુદ્દા હતા. એક મુદ્દો એ હતો કે પોલીસ વિભાગમાં જેટલી પોસ્ટ ખાલી હોય તેમને વધતી વસતીને અનુલક્ષીને ભરવામાં આવે, જેમાં ખુદ રાજ્ય સરકારે એક સોગંદનામું કરીને એમ જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2017ની સ્થિતિએ 28 હજાર પોસ્ટ પોલીસ વિભાગમાં ખાલી પડી છે.