Site icon Revoi.in

‘ભારત ગૌરવ’ ટ્રેનોમાં એક વર્ષમાં 96,000 થી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ‘ભારત ગૌરવ’ ટૂરિસ્ટ ટ્રેનોના બેનર હેઠળ થીમ આધારિત સર્કિટ પર ટૂરિસ્ટ ટ્રેનોના સંચાલનનો ખ્યાલ રજૂ કર્યો હતો. થીમ આધારિત આ ટૂરિસ્ટ સર્કિટ ટ્રેનોનો ઉદ્દેશ ભારતનો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભવ્ય ઐતિહાસિક સ્થળોને પ્રદર્શિત કરવાનો છે. વર્ષ 2023 દરમિયાન, 96,491 પ્રવાસીઓને લઈને ભારત ગૌરવ ટ્રેનોની કુલ 172 ટ્રિપ્સ ચલાવવામાં આવી છે, જે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા દેશભરના વિવિધ પર્યટન સ્થળોને આવરી લે છે.

આ ટ્રેનોમાં શ્રી રામ-જાનકી યાત્રા અયોધ્યાથી જનકપુર જેવી મોટી ટૂરિસ્ટ સર્કિટ તેમજ શ્રી જગન્નાથ યાત્રા; “ગરવી ગુજરાત” પ્રવાસ; આંબેડકર સર્કિટ; નોર્થ ઇસ્ટ ટૂરને આવરી લેવામાં આવી છે. આ ટ્રેનોમાં હાથ ધરવામાં આવતી મુસાફરીને વ્યાપક ટૂર પેકેજના રૂપમાં ઓફર કરવામાં આવે છે, જેમાં ઓફ-બોર્ડ મુસાફરી અને બસો દ્વારા પર્યટન, હોટલોમાં રોકાણ, ટૂર ગાઇડ્સ, ભોજન, મુસાફરી વીમો વગેરે જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં આરામદાયક ટ્રેન મુસાફરી અને આનુષંગિક ઓનબોર્ડ સેવાઓ આપવામાં આવે છે.

રેલવે મંત્રાલયે ભારત ગૌરવ ટ્રેન યોજના હેઠળ વધુ સારી ગુણવત્તા ધરાવતા કોચ સાથે રેલવે આધારિત પ્રવાસનની જોગવાઈ મારફતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. આ સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ ને પણ અનુરૂપ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે રેલવે મંત્રાલય દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે.