Site icon Revoi.in

સુરેન્દ્રનગર- બેચરાજીના હાઈ-વે પર ઠેર ઠેર ખાડાંઓથી વાહનચાલકો બન્યા પરેશાન

Social Share

વઢવાણઃ  સુરેન્દ્રનગર- બેચરાજી વચ્ચેનો ટ્રાફિકથી ધમધમતો હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઝાલાવાડ કે કચ્છ ગાંધીધામ જતા મસમોટા વાહનો અહીં ટોલટેક્ષ ન હોવાથી આ હાઇવેથી પસાર થાય છે. આથી આ હાઇવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. ચોમાસામાં ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર- બેચરાજી હાઇવેમાં મસમોટા ખાડાઓ પડવાથી આખો હાઇવે ઉબડખાબડ બની ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગરના દૂધરેજથી દસાડ‍ા વચ્ચેનાં 80 કિ.મી.ના રસ્તામાં 76 જેટલા તો બમ્પ છે. દૂધરેજથી દસાડ‍ા વચ્ચે રૂ. 200 કરોડના ખર્ચે બનનારા ફોર લેન હાઇ વેની યોજના પણ અભરાઇએ ચઢાવી દેવામાં આવતા લોકો નિરાશ થયા છે. આજથી ત્રણેક વર્ષ અગાઉ તત્કાલીન નાણામંત્રી નિતીન પટેલે સામાન્ય બજેટમાં રૂ. 200 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર દૂધરેજથી દસાડા બેચરાજી સુધીનો હાઇવે બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ ગમે તે કારણોસર સુરેન્દ્રનગરનાં દૂધરેજથી દસાડા વચ્ચે અંદાજે રૂ. 200 કરોડના ખર્ચે ફોર લેન હાઇવેની યોજના અભરાઇએ ચડી છે. તેમજ ભારે ગીચતાને ધ્યાનમાં રાખીને બજાણા અને પાટડીમાં જમીન એક્વાયર કરીને બાય પાસ બનાવવાની માંગ ઉઠી છે. જેનાથી આ હાઇ વેનાં આ બન્ને ગામોમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સુરેન્દ્રનગર-બેચરાજી હાઇવે પર ચોમાસામાં ભારે વરસાદથી ખાડાઓ પડ્યા છે. જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઝાલાવાડ કે કચ્છ ગાંધીધામ જતા મસમોટા વાહનો અહીં ટોલટેક્ષ ન થતો હોવાથી આ હાઇવેથી પસાર થાય છે. આથી આ હાઇવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. આ હાઇવેની બિસ્માર હાલતથી પસાર થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.