Site icon Revoi.in

ભારતની દરિયાઈ વિરાસત અને સુરક્ષાના સમન્વય માટે RRU અને લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે MoU

Social Share

ગાંધીનગર, 15 જુલાઈ 2026: ભારતની ભવ્ય દરિયાઈ સભ્યતાના વારસાને જીવંત રાખવા અને આધુનિક સમુદ્રી સુરક્ષા ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા માટે દેશમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત દેશની પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી’ (RRU) ના સ્કૂલ ઓફ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરિટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ (SICMSS) અને ભારત સરકારના બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC), લોથલ વચ્ચે ગાંધીનગર કેમ્પસ ખાતે આ ઐતિહાસિક ભાગીદારી પર હસ્તાક્ષર અને આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ શિક્ષણ, સંશોધન, વ્યાવસાયિક તાલીમ, સમુદ્રી વારસો અને ક્ષમતા નિર્માણ ક્ષેત્રોમાં બંને અગ્રણી સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહયોગને વધુ સુદ્રઢ બનાવવાનો છે.

ગાંધીનગર ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો વાઇસ-ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંઢાએ યુનિવર્સિટી વતી સમજૂતી પત્ર સ્વીકાર્યો હતો. જ્યારે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, લોથલ વતી તેમના ચીફ ઓફ ગેલેરીઝ અને જાણીતા પુરાતત્વવિદ્ એડવાઇઝર પ્રો. (ડૉ.) વસંત શિંદેએ આ MoU પર હસ્તાક્ષર કરી પરસ્પર આદાનપ્રદાન કર્યું હતું. આ પ્રસંગે બંને સંસ્થાઓના વરિષ્ઠ પ્રોફેસરો, સુરક્ષા નિષ્ણાતો અને પ્રતિનિધિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

સુરક્ષા અને ગવર્નન્સ માટે એક મજબૂત શૈક્ષણિક પાયો ઊભો થશે: ડૉ. કલ્પેશ વાંઢા

આ સમજૂતીના મહત્વ વિશે વાત કરતા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના પ્રો-વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાંઢાએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી મેરિટાઇમ સિક્યુરિટી અને ગવર્નન્સ ક્ષેત્રે એક મજબૂત વ્યવસાયિક તથા શૈક્ષણિક પ્લેટફોર્મ વિકસાવવા માટેની યુનિવર્સિટીની કટિબદ્ધતા દર્શાવે છે. લોથલ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથેનો આ સમન્વય વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, નીતિ ઘડવૈયાઓ અને સંશોધકોને ભારતના હજારો વર્ષ જૂના સમુદ્રી જ્ઞાનને સમકાલીન સુરક્ષા તેમજ નીતિવિષયક જરૂરિયાતો સાથે જોડીને અભ્યાસ કરવાની અદભુત તક પૂરી પાડશે. આનાથી ભારતીય સમુદ્રી માર્ગો અને સુરક્ષાના માળખાને વધુ ઊંડાણપૂર્વક સમજી શકાશે.

ભારતનો પ્રાચીન દરિયાઈ ઇતિહાસ લોકભોગ્ય બનશે: ડૉ. વસંત શિંદે

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના એડવાઇઝર પ્રો. (ડૉ.) વસંત શિંદેએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક નોંધ્યું હતું કે, લોથલ સ્થિત NMHC એ માત્ર એક સંગ્રહાલય નથી પરંતુ તે ભારતની પ્રાચીન દરિયાઈ સભ્યતા અને વૈશ્વિક ક્ષેત્રે આપણા પૂર્વજોના દરિયાઈ પ્રભુત્વનું સચોટ પ્રતિનિધિત્વ કરે છે. RRU જેવી મહત્વપૂર્ણ ડિફેન્સ અને સિક્યુરિટી યુનિવર્સિટી સાથેનું જોડાણ દરિયાઈ પુરાતત્વ, હેરિટેજ ઇન્ટરપ્રિટેશન અને મ્યુઝિયમ આધારિત જ્ઞાનને આધુનિક શિક્ષણ તથા રિસર્ચ સાથે સાંકળવામાં રાષ્ટ્રીય કક્ષાએ સેતુ બનશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ કરારથી સામાન્ય જનતા, સુરક્ષા દળો અને વિદ્યાર્થીઓમાં દરિયાઈ વારસા પ્રત્યે જાગૃતિ ફેલાશે.

આંતરશાખાકીય અભ્યાસ માટે નવું પ્લેટફોર્મ: મનીષ કુમાર સિંહ

સ્કૂલ ઓફ ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરિટાઇમ સિક્યુરિટી સ્ટડીઝના ડિરેક્ટર મનીષ કુમાર સિંહે આ કરારને દરિયાઈ વારસા અને કોસ્ટલ સિક્યુરિટી ક્ષેત્ર વચ્ચેના વ્યવહારિક જોડાણ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, અમારો હેતુ ભારતભરના કોસ્ટલ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ ઓથોરિટી તેમજ ઉદ્યોગ જગતને એક મંચ પર લાવીને સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણ ઊભું કરવાનો છે, જેમાં NMHC સાથેની આ નવી શરૂઆત મહત્વની ભૂમિકા ભજવશે.

વધુ વાંચો: સેમિકોન ઇન્ડિયા 2.0 પ્રોગ્રામથી દેશ બનશે ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ

Exit mobile version