1. Home
  2. ગુજરાતી
  3. સેમિકોન ઇન્ડિયા 2.0 પ્રોગ્રામથી દેશ બનશે ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ
સેમિકોન ઇન્ડિયા 2.0 પ્રોગ્રામથી દેશ બનશે ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ

સેમિકોન ઇન્ડિયા 2.0 પ્રોગ્રામથી દેશ બનશે ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચરિંગ હબ

0
Social Share

નવી દિલ્હી, 15 જુલાઈ 2026: આધુનિક ટેકનોલોજીના યુગમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો, સંરક્ષણ ઉપકરણો અને સેટેલાઇટ ટેકનોલોજીના હૃદય સમાન ગણાતી ‘સેમિકન્ડક્ટર ચિપ’ના ઉત્પાદનમાં ભારત હવે વિશ્વનું નવું કેન્દ્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન વૈશ્વિક સપ્લાય ચેઈનમાં સર્જાયેલી અડચણોમાંથી પાઠ શીખીને ભારત સરકારે દેશને ટેકનોલોજીકલ આત્મનિર્ભર બનાવવા માટે કમર કસી છે. ડિસેમ્બર ૨૦૨૧ માં રૂ.૭૬,૦૦૦ કરોડના બજેટ સાથે શરૂ થયેલા ‘સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ૧.૦’ની ભવ્ય સફળતા બાદ, હવે સરકાર ‘સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ૨.૦’ મારફતે સમગ્ર સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઈનને વધુ વ્યાપક અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા જઈ રહી છે.

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના અગિયાર વર્ષની અસાધારણ વિકાસ યાત્રા

ભારતનો સેમિકન્ડક્ટર હબ તરીકેનો ઉદય એ કોઈ અકસ્માત નથી, પરંતુ છેલ્લા એક દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં લેવાયેલા સુધારાત્મક પગલાંનું પરિણામ છે. નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ, પીએલઆઈ (PLI) સ્કીમ અને સ્પેશિયલ કમ્પોનન્ટ સ્કીમ્સ જેવી નીતિઓએ ભારતીય ઇકોસિસ્ટમમાં મોટું પરિવર્તન આણ્યું છે. છેલ્લા અગિયાર વર્ષમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ૭ ગણો વધારો નોંધાયો છે, જ્યારે આ જ ગાળામાં દેશમાંથી મોબાઈલ ફોનના ઉત્પાદનમાં Record-breaking ૩૨ ગણો અને તેની નિકાસમાં આશ્ચર્યજનક ૧૬૫ ગણો ધરખમ વધારો થયો છે. આજે ભારત વૈશ્વિક સ્તરે બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બની ચૂક્યો છે, જે સેમિકન્ડક્ટર ક્ષેત્રના ભવિષ્યના વિકાસ માટે એક ખૂબ જ મજબૂત સ્થાનિક ઉત્પાદન આધાર પૂરો પાડે છે.

મોટાપાયે રોજગારીનું સર્જન અને મહિલા સશક્તિકરણનું નવું મોડેલ

ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માત્ર ટેકનોલોજીના વિકાસ પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશના આર્થિક અને સામાજિક ઉત્થાનનું પણ મોટું માધ્યમ બન્યું છે. આ ક્ષેત્રના ઝડપી વિસ્તારના કારણે છેલ્લા એક દાયકામાં આશરે ૨૫ લાખ સીધી અને આડકતરી રોજગારીની તકોનું સર્જન થયું છે. નોંધનીય બાબત એ છે કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ વર્કફોર્સમાં મહિલાઓનો હિસ્સો અંદાજે ૩૦% જેટલો છે. ખાસ કરીને દેશમાં અંદાજે ૧૨ લાખ લોકોને આજીવિકા પૂરી પાડતા મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રત્યક્ષ વર્કફોર્સ તરીકે મહિલાઓનું પ્રમાણ ૭૦% જેટલું ઊંચું નોંધાયું છે, જે ભારતીય ઔદ્યોગિક વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારી દર્શાવે છે.

ગુજરાત સહિત ૬ રાજ્યોમાં પ્રોજેક્ટ્સ મંજૂર, પ્રગતિશીલ રાજ્યો બન્યા મોખરે

દેશમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ લાવવામાં ભારતના વિવિધ પ્રગતિશીલ રાજ્યો અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં હાલ ૧૨ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે, જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, આસામ, પંજાબ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો મોખરે છે. આ પૈકી માઇક્રોન ATMP, કેન્સ સેમિકોન અને સીજી પાવર OSAT જેવી ત્રણ મોટી મહત્વકાંક્ષી લાઇનઅપ સુવિધાઓએ વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. જ્યારે અન્ય બે ઉત્પાદન પ્લાન્ટ્સ ચાલુ વર્ષના અંત સુધીમાં કાર્યરત થઈ જાય તેવી પ્રબળ શક્યતા છે, જે ભારતની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જશે.

ચિપ ડિઝાઇનમાં વૈશ્વિક દબદબો અને ગ્લોબલ પાર્ટનરશિપનો નવો યુગ

સેમિકન્ડક્ટરના ફિઝિકલ ઉત્પાદનની સાથે-સાથે તેના હાર્દ સમાન ડિઝાઇન ક્ષેત્રે પણ ભારત વૈશ્વિક લીડર બની રહ્યું છે. હાલમાં સમગ્ર વિશ્વની કુલ સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભાના આશરે ૨૦% એટલે કે દર પાંચમાંથી એક એન્જિનિયર ભારતમાં કાર્યરત છે. સરકારની ‘ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ’ (DLI) યોજના હેઠળ ૨૪ ચિપ ડિઝાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે યુવા વિદ્યાર્થીઓએ ઓટોમોટિવ, હેલ્થકેર, AI અને ટેલિકોમ સેક્ટર માટે ૧૭૫ સેમિકન્ડક્ટર ચિપ્સ જાતે ડિઝાઇન કરી છે. ભવિષ્યની જરૂરિયાતો માટે ‘ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ’ પ્રોગ્રામ હેઠળ ૩૨૦ જેટલી સંસ્થાઓમાં જરૂરી એન્જિનિયરિંગ સાધનો ઉપલબ્ધ કરાવીને ૬૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. બીજી તરફ, ભારતે અમેરિકા, જાપાન, સિંગાપોર અને જર્મની જેવા દેશો સાથે ટેકનોલોજીકલ કરાર કર્યા છે, જેના અંતર્ગત એપ્લાઇડ મટિરિયલ્સ અને AMD જેવી વૈશ્વિક સ્તરે સ્થાપિત કંપનીઓ ભારતમાં રોકાણ વધારી રહી છે.

સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ૨.૦: સંપૂર્ણ ઇકોસિસ્ટમ માટે ભવિષ્યનો રોડમેપ

સેમિકોન ઇન્ડિયા ૧.૦ ની મજબૂત સફળતા બાદ હવે સરકારનું ધ્યાન માત્ર ચિપ બનાવવાની ફેક્ટરીઓ પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર વેલ્યુ ચેઈનને દેશમાં જ વિકસાવવાનું છે. આ માટે લાવવામાં આવેલા સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ ૨.૦ અંતર્ગત અદ્યતન ચિપ ડિઝાઇન, સેમિકન્ડક્ટર સાધનો અને જરૂરી કાચા માલનું સ્થાનિકીકરણ, હાઇ-ટેક ફેબ્રિકેશન સુવિધાઓ, અદ્યતન પેકેજિંગ (OSAT/ATMP), તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. પારદર્શક નીતિઓ, સ્થિર વ્યવસાયિક વાતાવરણ અને મજબૂત લોકશાહી મૂલ્યોના બળે ભારત આગામી સમયમાં વિશ્વસનીય વૈશ્વિક સેમિકન્ડક્ટર પાર્ટનર અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નનો મજબૂત આધાર સ્તંભ બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

વધુ વાંચો: અમેરિકાના ઐતિહાસિક શહેર બોસ્ટનમાં ગુંજ્યો ભારતનો ડંકો, ભારતીય નૌસેનાની ભવ્ય પરેડ યોજાઈ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code