પાલનપુર, 15 જુલાઈ, 2026 : Free classes on astrology, Vastu, and palmistry will be started by Gyanpith શહેરમાં જ્યોતિષ પુનર્જાગરણ અભિયાનને સફળતા મળ્યા બાદ હવે જ્ઞાનપીઠ દ્વારા રાજ્યભરમાં જ્યોતિષ, વાસ્તુ અને હસ્તરેખાના નિ:શુલ્ક વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારતની હજારો વર્ષ જૂની વૈદિક જ્ઞાનપરંપરા અને સંસ્કૃતિના સંવર્ધન માટે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત દ્વારા ઐતિહાસિક પહેલ હાથ ધરાઈ છે. પાલનપુરમાં સફળતાપૂર્વક બે બેચ પૂર્ણ કરી 100થી વધુ જ્યોતિષીઓ તૈયાર થયા બાદ, હવે આ પ્રવૃત્તિનો વ્યાપ સમગ્ર રાજ્યમાં વધારવામાં આવશે. જ્ઞાનપીઠના માધ્યમથી રાજ્યના વિવિધ શહેરોમાં ટૂંક સમયમાં જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, અંકશાસ્ત્ર અને હસ્તરેખાના વિશેષ વર્ગો શરૂ કરાશે.
આ અંગે જ્ઞાનપીઠના ડો. જગદીશચંદ્ર મહેતાએ જણાવ્યું કે, નવી પેઢીને આપણી પ્રાચીન વિદ્યાઓનું સાચું માર્ગદર્શન મળે તે માટે આ તમામ વર્ગોમાં તદ્દન નિ:શુલ્ક શિક્ષણ અને વ્યવહારુ જ્ઞાન આપવામાં આવશે. યુવા પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ સુવ્યવસ્થિત તાલીમથી યુવાનોમાં ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે જાગૃતિ વધશે અને સાંસ્કૃતિક વારસાનું જતન થશે.
તાજેતરમાં પાલનપુર ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિત, રમેશ શુક્લ, જિલ્લા પ્રમુખ અરુણ જોષી સહિતના મહાનુભાવોએ હાજર રહી યુવાનોને આ ભગીરથ કાર્યમાં જોડાવા અપીલ કરી હતી.


