અમદાવાદ, 15 જુલાઈ, 2026 – ગ્રુપ હેડક્વાર્ટર NCC, અમદાવાદના નેજા હેઠળ, NCC કેડેટ્સે 15 જુલાઈ 2026 ના રોજ લોકભવન, ગાંધીનગર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સામુદાયિક સેવા અને માનવતાવાદી મૂલ્યો પ્રત્યે NCC ની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
માનનીય રાજ્યપાલશ્રીએ NCC કેડેટ્સ સાથે વાતચીત કરી હતી, તેમના યોગદાનની પ્રશંસા કરી હતી અને તેમને નિઃસ્વાર્થ સેવા તેમજ જવાબદાર નાગરિકત્વના આદર્શોને જાળવી રાખવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે NCC ગ્રુપ હેડક્વાર્ટર અમદાવાદના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એસ. જામવાલે કેડેટ્સ સાથે મુલાકાત કરી હતી, સ્વૈચ્છિક સેવા પ્રત્યેના તેમના ઉત્સાહ અને પ્રતિબદ્ધતાને બિરદાવી હતી, અને તેમને સમર્પણ, શિસ્ત તેમજ કરુણા સાથે સમાજની સેવા કરવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચોઃ કારગિલ વિજય દિવસ 2026: સંરક્ષણ મંત્રીએ મોટરસાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું
આ રક્તદાન અભિયાન દ્વારા કેડેટ્સને નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના મુખ્ય મૂલ્યોને વધુ મજબૂત કરવાની સાથે-સાથે એક ઉમદા માનવતાવાદી કાર્યમાં સક્રિયપણે યોગદાન આપવાની તક મળી હતી. આવી પહેલો નેતૃત્વ, સહાનુભૂતિ, ટીમવર્ક (સામૂહિક કાર્ય), સામાજિક જવાબદારી અને નાગરિક સભાનતાને પ્રોત્સાહન આપે છે, જે યુવક-યુવતીઓને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ જવાબદાર નાગરિક બનવા માટે તૈયાર કરે છે.

સામુદાયિક સેવા પ્રવૃત્તિઓમાં નિયમિત ભાગીદારી દ્વારા, NCC યુવાનોને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખે છે, જે તેના આદર્શ વાક્ય “એકતા અને શિસ્ત” (Unity and Discipline) તેમજ શિસ્તબદ્ધ, આત્મવિશ્વાસુ અને સામાજિક રીતે જાગૃત ભવિષ્યના નેતાઓ તૈયાર કરવાના તેના સતત ચાલતા મિશનને દર્શાવે છે.


