NIMCJ કેમ્પસમાં યોજાયો સ્વાગત સમારંભ: બી.એ.જે.એમ.સી.ના નવા વિદ્યાર્થીઓને પરંપરાગત આવકાર
- કૉલેજના સિનિયર વિદ્યાર્થીઓએ નવી બેચનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
અમદાવાદ, 15 જુલાઈ, 2026 – શહેરની પ્રતિષ્ઠિત મીડિયા કોલેજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) ખાતે બી. એ. જે. એમ. સી.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ઝી ૨૪ ક્લાકના એડિટર શ્રી દીક્ષિત સોની, સિનિયર એન્કર શ્રી નિધી પટેલ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)ના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહ તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના નિયામક પ્રો(ડો.) શિરીષ કાશીકરે સૌને આવકાર્યા હતા.

પત્રકારત્વ જગતમાં ૨૫ વર્ષનો એવો બહોળો અનુભનવ ધરાવતા વરિષ્ઠ પત્રકાર શ્રી દીક્ષિત સોનીએ મીડિયા ક્ષેત્રમાં આવનારા બદલાવ વિશે વાત કરી. એઆઈ (AI) કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે અને તેનો સાચો ઉપયોગ સમાચારમાં કેવી રીતે કરવો તે બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત એક પત્રકાર સમાજને કેવી રીતે શ્રેષ્ઠ કાર્ય પ્રદાન કરી શકે તેની માહિતી આપી હતી. તેમણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાની દિશામાં પણ પ્રકાશ પાડ્યો હતો. આ સાથે વિદ્યાર્થીઓના સવાલો સાંભળી તેમની મૂંઝવણો દૂર કરી ભાવિ પત્રકારોને પ્રેરિત કર્યા હતા.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહે જુસ્સાભેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને જીવનના નવા અધ્યાય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓ વિશે જાણકારી આપી હતી.

સિનિયર વિદ્યાર્થીઓએ મીડિયા અભ્યાસના વિવિધ ક્ષેત્રો વિશે નવા વિદ્યાર્થીઓને સમજ આપી. સર્વે વિદ્યાર્થીઓએ ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવી રમતો રમી. નવા વિદ્યાર્થીઓએ ગુરુજનોના શુભાશીષ મેળવ્યા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડો. ગરિમા ગુણાવત, શ્રીમતી રીતુ વર્મા, માનસી સરવૈયા, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો સક્રિય સહયોગ રહ્યો હતો.


