ચોમાસાની ઋતુ ગરમીથી રાહત આપે છે, પરંતુ સાથે-સાથે અનેક બીમારીઓનું જોખમ પણ વધારે છે. વરસાદનું પાણી ભરાવાને કારણે મચ્છરોનું પ્રમાણ વધી જાય છે, જેનાથી મલેરિયા જેવી ગંભીર બીમારી ફેલાવાનો ભય રહે છે. મોટાભાગના લોકો મલેરિયાના શરૂઆતી લક્ષણોને સામાન્ય વાયરલ કે ખાલી થાક સમજીને નજર-અંદાજ કરી દે છે, જે પાછળથી મુશ્કેલી સર્જી શકે છે. તબીબી વિશેષજ્ઞોના મતે, સમયસર લક્ષણો ઓળખીને યોગ્ય સારવાર શરૂ કરી દેવામાં આવે તો મલેરિયાની જટિલતાઓથી બચી શકાય છે. આવો જાણીએ આ બીમારીના મુખ્ય સંકેતો વિશે:
તેજ તાવ અને ધ્રુજારી: મલેરિયાનું સૌથી સામાન્ય લક્ષણ તેજ તાવ છે, જેમાં અચાનક ઠંડી વાગીને ધ્રુજારી ઉપડે છે. ઘણીવાર તાવ વારંવાર આવ્યા કરે છે અને શરીરનું તાપમાન વધી જાય છે.
વધુ પડતો પરસેવો વળવો: તાવ ઉતર્યા બાદ શરીરમાંથી પુષ્કળ પરસેવો છૂટવો એ પણ મલેરિયાનો સંકેત હોઈ શકે છે. શરીર તાપમાન નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે આ સ્થિતિ સર્જાય છે.
માથા અને શરીરમાં અસહ્ય દુખાવો: મલેરિયા થવા પર માથું ભારે રહેવું, આંખોની આસપાસ દુખાવો અને આખા શરીરમાં કળતર કે શારીરિક નબળાઈ અનુભવાય છે.
સતત થાક અને સુસ્તી: વગર કોઈ ભારે કામકાજે જો સતત થાક જણાતો હોય તો તેને હળવાશથી ન લેવું જોઈએ. આ રોગ શરીરની ઊર્જાને પ્રભાવિત કરે છે.
ઉલટી અને ઊબકા: કેટલાક દર્દીઓમાં જીવ મુંઝાવવો, ઉલટી થવી, ભૂખ ન લાગવી કે પેટમાં અસહજતા જેવા લક્ષણો પણ દેખાય છે. તાવની સાથે આવા ચિહ્નો જણાય તો તુરંત તપાસ કરાવવી જરૂરી છે.
- બચાવના ઉપાયો
મલેરિયાથી બચવા માટે ઘરની આસપાસ પાણી જમા ન થવા દો. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખા હાથના કપડાં પહેરો અને મોસ્કીટો રિપેલન્ટ વાપરો. જો સતત તાવ કે ઉપર જણાવેલા લક્ષણો દેખાય તો જરાય વિલંબ કર્યા વગર તબીબનો સંપર્ક સાધો. થોડી સાવધાની અને જાગરૂકતા તમને અને તમારા પરિવારને સુરક્ષિત રાખી શકે છે.


