1. Home
  2. revoinews
  3. PM મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી, સોશિયલ મીડિયા હેન્ડલ્સને નોટિસ
PM મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી, સોશિયલ મીડિયા હેન્ડલ્સને નોટિસ

PM મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ મામલે દિલ્હી પોલીસની કાર્યવાહી, સોશિયલ મીડિયા હેન્ડલ્સને નોટિસ

0
Social Share

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર પર તાજેતરમાં યોજાયેલા એક વિદ્યાર્થી આંદોલન દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે કરવામાં આવેલા અપમાનજનક અને અભદ્ર ભાષાના પ્રયોગ મામલે દિલ્હી પોલીસે આકરુ વલણ અપનાવ્યું છે. વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દો બોલવા અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના ગંભીર કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ સત્તાવાર રીતે એફઆઈઆર દાખલ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 353(2) અને 356(2) હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણે તપાસનો વ્યાપ વધારતા ‘એક્સ’ અને ઇન્સ્ટાગ્રામ જેવા અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને વાંધાજનક વીડિયો તાત્કાલિક ડિલીટ કરવા માટે સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ, જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી આ વિવાદાસ્પદ વીડિયો સૌપ્રથમ અપલોડ કે સર્ક્યુલેટ કરવામાં આવ્યા હતા, તેમજ આ વિડિઓઝનું મૂળ સ્ત્રોત કયું છે તેની વિગતવાર માહિતી મેળવવા માટે કેટલાક ન્યૂઝ પોર્ટલ્સ અને યુઝર્સને નોટિસો ફટકારવામાં આવી છે.

  • દિલ્હી પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ સક્રિય

અધિકારીઓએ માહિતી આપી છે કે દિલ્હી પોલીસની વિશેષ સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ ઇન્ટરનેટ પર સતત નજર રાખી રહી છે. જ્યારે પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ કાયદાકીય કે મર્યાદા ઓળંગતી પોસ્ટ સામે આવે છે, ત્યારે તાત્કાલિક ધોરણે સંબંધિત મધ્યસ્થીઓને નોટિસ મોકલીને તે કન્ટેન્ટ હટાવવાની કાર્યવાહી કરવામાં આવે છે. પોલીસની સતર્કતાને કારણે પીએમ મોદી વિરુદ્ધની અભદ્ર ભાષા ધરાવતી ઘણી બધી પોસ્ટ અને વીડિયો સોશિયલ મીડિયા પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં પણ સાયબર ટીમ વિરોધ પ્રદર્શનોની ઓનલાઈન ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખશે.

દરમિયાન, ગત 23 જુલાઈએ વડાપ્રધાનની એક સોશિયલ મીડિયા પોસ્ટને અચાનક થોડા સમય માટે હટાવી દેવાના વિવાદમાં કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારના આક્રમક રુખ બાદ આંતરરાષ્ટ્રીય ટેક કંપની ‘મેટા’ એ આ સમગ્ર ઘટના પાછળ તકનીકી ભૂલ હોવાનું સ્વીકારીને માફી માંગી લીધી છે. જો કે, કેન્દ્ર સરકારે કંપનીના આ સ્પષ્ટીકરણને અપર્યાપ્ત ગણાવ્યું છે અને આ મામલે વિસ્તૃત અહેવાલ માંગતા મેટાના ઉચ્ચ અધિકારીને તલબ કર્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કંપનીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી તે સારી બાબત છે, પરંતુ સરકાર તેમના આ ટૂંકા ખુલાસાથી સંતુષ્ટ નથી. સરકારે આ મામલે વધુ ઊંડાણપૂર્વકની અને વિગતવાર માહિતી રજૂ કરવા આદેશ આપ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code