માત્ર મોંઘી ક્રીમ કે સીરમ લગાવી લેવાથી ત્વચાની તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી નથી. શરીરના અન્ય અંગોની જેમ ત્વચાની અસલી દેખભાળ પણ ભીતરથી એટલે કે યોગ્ય આહાર દ્વારા જ થાય છે. ત્વચાની સારી તબિયત અને કુદરતી નિખાર માટે વિટામિન એ, ડી, બી3, ઈ અને સી જેવા પોષક તત્વો સીધી રીતે જવાબદાર છે. ચાલો જાણીએ કે આ વિટામિન્સ ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેને આહારમાં કેવી રીતે સામેલ કરી શકાય:
-
ત્વચાની રંગત અને ટેક્સચર માટે ‘વિટામિન એ’
ત્વચાની દેખભાળમાં વિટામિન એ અત્યંત મહત્વનું છે. તેનું એક રૂપ ‘રેટિનોઈડ’ છે, જે ત્વચાના નવા કોષો બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. તેનાથી ત્વચાનું ટેક્સચર સુધરે છે, ખીલ ઓછા થાય છે અને ફાઇન લાઈન્સ ઘટે છે.
કુદરતી સ્ત્રોત: લીલા પાંદડાવાળા શાકભાજી, શક્કરિયા અને ઈંડા. (ડોક્ટરની સલાહ વગર સપ્લીમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ).
-
સ્કીન બેરિયરને મજબૂત રાખતું ‘વિટામિન બી3’
વિટામિન બી3 નું રૂપ એટલે કે ‘નાયસિનામાઈડ’, જે ત્વચાની ઉપરી પરતને મજબૂત રાખવા, સોજો (ઇન્ફ્લેમેશન) ઓછો કરવા અને સ્કીન બેરિયરને સુધારવામાં મદદ કરે છે. તે ત્વચાના ડાઘ-ધબ્બા અને અસમાન રંગતને દૂર કરે છે.
કુદરતી સ્ત્રોત: ચિકન, માછલી, માંસ, ડ્રાયફ્રૂટ્સ, બીન્સ અને બ્રાઉન રાઈસ.
- ગ્લો અને કોલેજન માટે જરૂરી ‘વિટામિન સી’
વિટામિન સી એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે. તેની મદદથી ત્વચામાં કોલેજન સારી રીતે બને છે અને સૂર્યની યુવી કિરણોથી થયેલા નુકસાનની ભરપાઈ થાય છે. તે ઘાવ રૂઝવવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે.
કુદરતી સ્ત્રોત: સંતરા, કિવી, ટામેટા, શિમલા મરચાં અને બ્રોકોલી.
-
કુદરતી બેરિયર માટે ‘વિટામિન ડી’
વિટામિન ડી માત્ર હાડકાં જ નહીં, પણ ત્વચા માટે પણ ખૂબ ગુણકારી છે. તે ત્વચાના કુદરતી બેરિયરને મજબૂત બનાવે છે, રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) સુધારે છે અને ત્વચાના નવા કોષોના નિર્માણમાં મદદ કરે છે.
કુદરતી સ્ત્રોત: માછલી, ઈંડા અને ચીઝ.
- ત્વચાની ચમક જાળવતું ‘વિટામિન ઈ’
વિટામિન ઈ પણ એક એન્ટિઓક્સિડન્ટ છે જે ત્વચાને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. તે ત્વચામાં ભેજ (નમી) જાળવી રાખવા અને બળતરા ઘટાડવામાં મદદરૂપ છે.
કુદરતી સ્ત્રોત: ડ્રાયફ્રૂટ્સ, બીજ, પાલક, વનસ્પતિ તેલ અને આખા અનાજ.
-
શું સપ્લીમેન્ટ્સ લઈ શકાય?
આહાર દ્વારા વિટામિનની ઉણપ દૂર કરવી સૌથી શ્રેષ્ઠ છે. જો કોઈ વિશેષ સ્વાસ્થ્ય સ્થિતિમાં સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર પડે, તો હંમેશા ડર્મેટોલોજિસ્ટ કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ, કારણ કે જાતે વિટામિનની ગોળીઓ લેવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.


