સુરેન્દ્રનગર, 07 નવેમ્બર,2026 : Thangadh’s clay pot industry gets boost દિવાળીના તહેવારોની ઊજવણીને લીધે નાના શ્રમિકો, ફેરીયાઓ, વેપારીઓ સહિતના રોજગારીમાં વધારો થયો હોય છે. નાના-મોટા દરેક વેપારીઓ દિવાળીની ઘરાકીમાં કમાણી કરવાની આશા રાખતા હોય છે. પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોમાં ઘેર-ઘેર કોડિયામાં દીવા પ્રગટાવવામાં આવતા હોય છે. ત્યારે કોડિયાની માગમાં વધારો થતાં થાનગઢના કોડિયા ઉદ્યોગને સારા એવા ઓર્ડર મળતા કોડિયા બનાવતા શ્રમિકોની દિવાળી સુધરી છે.
દિવાળીના પ્રકાશ, આસ્થા અને પરંપરાના આ પર્વમાં આજે પણ માટીનાં કોડિયાંનું વિશેષ મહત્ત્વ અકબંધ છે. આધુનિક સમયમાં ઇલેક્ટ્રોનિક લાઇટિંગ અને સુશોભનની વિવિધ સામગ્રીઓનું ચલણ વધ્યું હોવા છતાં લોકો પરંપરાગત માટીનાં દીવડાં ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્થાનિક કુંભારો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતાં રંગબેરંગી તથા અવનવી ડિઝાઇનનાં કોડિયાં ગ્રાહકોનું આકર્ષણ બની રહ્યાં છે. દિવાળીના કારણે કોડિયાંની માંગમાં વધારો થતાં કારીગરો, રંગકામ કરતા શ્રમિકો અને વેપારીઓને કમાવવાની સારી તક મળી છે.
થાનગઢના કારીગરો પરંપરાગત માટીકામની કળાને આધુનિક ડિઝાઇન સાથે જોડીને નાનાં-મોટાં કોડિયાં, વિવિધ રંગોના દીવડા અને નકશીકામવાળી અનેક વેરાયટી તૈયાર કરી રહ્યા છે. સાદા માટીના કોડિયાંને રંગો, પેઇન્ટિંગ, મીણ, લેસ અને ટીકી-ટોન જેવી કારીગરીથી આકર્ષક બનાવવામાં આવે છે. કારીગરોની કલાત્મક સૂઝ અને મહેનતથી તૈયાર થતાં આ કોડિયાં દિવાળીની રોનકમાં વધારો કરી રહ્યાં છે.
થાનગઢના કોડિયા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીના કહેવા મુજબ અમે વર્ષોથી કોડિયા બનાવીએ છીએ. અમારી પાસે કોડિયા બનાવવાની 200થી 250 પ્રકારની ડાઇ ઉપલબ્ધ છે અને અદ્યતન પદ્ધતિથી એક કલાકમાં આશરે 400 કોડિયાં તૈયાર થાય છે. કોડિયાંની કિંમત 30 પૈસાથી લઈને 20 રૂપિયા સુધીની હોય છે. પેઇન્ટિંગ, મીણ, લેસ અને ટીકી-ટોન જેવી કારીગરીથી કોડિયાંને વધુ આકર્ષક બનાવવામાં આવે છે. એક જ કારખાનામાં 20 જેટલા લોકો કામ કરી રહ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં આશરે 70થી 80 કારખાનાં કાર્યરત છે. આ ઉદ્યોગ અનેક પરિવારો માટે રોજગારીનું માધ્યમ બન્યો છે.


