ગાંધીનગર, 07 નવેમ્બર,2026 : Hit and run on Chiloda-Himmatnagar highway, રાજ્યના નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોટા ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચિલોડા નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે એક શ્રમજીવી મહિલા ચાલીને હાઈવે ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યો કારચાલક મહિલાને અડફેટમાં લઈને કાર સાથે પલાયન થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતા ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત અંગે ચિલોડા પોલીસના કહેવા મુજબ મૂળ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વતની અને હાલ મોટી સિહોલી ગામની સીમમાં સરકારી નર્સરી પર પરિવાર સાથે રહીને મજૂરી કામ કરતા રણજીતસિંહ પ્રતાપજી મકવાણાના પત્ની લીલાબેન બપોરના સમયે મોટા ચિલોડા ખાતે ઘરકામની મજૂરી અર્થે ગયા હતા. બાદમાં આશરે પોણા ચારેક વાગ્યાના અરસામાં લીલાબેન ચિલોડા-હિંમતનગર હાઇવે રોડ ક્રોસ કરીને હાઇવેની સામેની સાઈડ પર આવેલી સરકારી નર્સરી તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક અજાણ્યા ફોર-વ્હીલરના ચાલકે તેમને જોરદાર ટક્કર નાસી ગયો હતો. આ અકસ્માતમાં લીલાબેનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા.
આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને નર્સરી પર હાજર મૃતક મહિલાના સ્વજનો-પુત્રોને અકસ્માતની જાણ થતાં તેઓ તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ચિલોડા પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ હાઇવેની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક લીલાબેનના શબને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા કારચાલક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


