Homeગુજરાતીગુજરાતરાજકોટમાં 4 પેઢીના પનીરના નમુના અપ્રમાણિત, RMCએ 269 કિલો અખાદ્ય જથ્થાનો નાશ...

રાજકોટમાં 4 પેઢીના પનીરના નમુના અપ્રમાણિત, RMCએ 269 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

રાજકોટ, 07 નવેમ્બર,2026 : Paneer samples from 4 shops uncertified  દિવાળીના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે ઘરાકીનો લાભ લઈને કેટલાક વેપારીઓ ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. હાલ રાજકોટ મ્યુનિના ફુડ વિભાગ દ્વારા મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ફુડ વિભાગના અધિકારીઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પનીરના નમૂનાઓની ચકાસણી કરાવતાં તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું અને ફોરેન ફેટ (વિદેશી ચરબી) તેમજ ભેજનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું રિપોર્ટમાં ખુલ્યું છે. આ પ્રકારના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો લોકોના આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. સમગ્ર મામલે ફૂડ વિભાગે 4 પેઢીઓ સામે એજ્યુડિકેશન કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે, જ્યારે 62 પેઢીઓની તપાસ કરી 269 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો છે.

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે શહેરના મીઠાઈના વેપારીઓ છડેચોક એનાલોગ પનીરનો ઉપયોગ કરી રહ્યા છે.  મ્યુનિના ફુડ વિભાગના અધિકારીઓની ઝુંબેશ દરમિયાન  લાતી પ્લોટ શેરી નંબર 4 સ્થિત ‘ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ’માંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનામાં ફોરેન ફેટની માત્રા વધુ મળી આવી હતી. પુનિતનગર મેઇન રોડ પર આવેલા ‘શ્રી ગાયત્રી ડેરીફાર્મ’ના પનીરમાં જરૂરી મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હતું.

આ ઉપરાંત સામા કાંઠા વિસ્તારમાં સેટેલાઈટ ચોક પાસેના પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા તથા ભક્તિનગર વિજય પ્લોટ-11 ખાતે આવેલી ‘ભગવતી ટ્રેડિંગ’માંથી લેવાયેલા લૂઝ પનીરના નમૂનાઓમાં પણ મિલ્ક ફેટ ઓછું અને ભેજ તેમજ ફોરેન ફેટ વધુ હોવાનું પુરવાર થયું હતું. લેબોરેટરી દ્વારા આ ચારેય સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાતાં સંબંધિત વેપારીઓ સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

 દિવાળી પર્વને ધ્યાને રાખીને હાથ ધરાયેલી આ ડ્રાઇવમાં સૌથી ગંભીર બેદરકારી મોરબી રોડ પુલ નીચે આવેલા ‘ચામુંડા ફરસાણ’ ખાતે જોવા મળી હતી.  ફરસાણ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 21 કિલો વોશિંગ સોડા તેમજ 180 કિલો તીખી પાપડી, 30 કિલો તીખી સેવ અને 20 કિલો તીખી બુંદી સહિત કુલ 251 કિલો જેટલો અખાદ્ય અને વાસી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર જથ્થાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વાહનમાં નાખી સ્થળ પર જ નષ્ટ કરી દેવાયો હતો. આ પેઢીને અસ્વચ્છતા તથા લાયસન્સ નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી રૂપિયા 5,000નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો અને ફરસાણના ચાર નમૂના પરીક્ષણ અર્થે લેબમાં મોકલાયા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img