Homeગુજરાતીગુજરાતવડોદરા નેશનલ હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું...

વડોદરા નેશનલ હાઈવે પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત

વડોદરા, 07 નવેમ્બર,2026 : Hit and run on Vadodara National Highway  રાજ્યના હાઈવે પર હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. વાહનચાલકોને કાયદાનો ડર ન હોય તેમ રોડ પર અકસ્માત કરીને પૂર ઝડપે વાહન સાથે પલાયન થઈ જતા હોય છે. આવો જ એક અકસ્માતનો બનાવ વડોદરાના નેશનલ હાઇવે નંબર-48 પર જાંબુઆ બ્રિજ પર મોડી રાત્રે સર્જાયો હતો. સુરતથી બાઇક પર પોતાના વતન મધ્યપ્રદેશ તરફ જઈ રહેલા બે યુવકોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેથી રોડ પર ફંગોળાયેલા બન્ને યુવકોમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહનની શોધખોળ આદરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, સુરતમાં રોજગારી માટે સ્થાયી થયેલા મધ્યપ્રદેશના બે યુવાનો દિવાળીના તહેવારોને લીધે સુરતથી બાઈક પર સવાર થઈને પોતાના વતન મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના લૂખીપાડા જઈ રહ્યા હતા.ત્યારે વડોદરાના નેશનલ હાઇવે નંબર-48 પર જાંબુઆ બ્રિજ પર મોડી રાત્રે બાઈકને અડફેટે લઈને કોઈ વાહનચાલક વાહન સાથે જ પલાયન થઈ ગયો હતો. આ બનાવમાં બાઈકસવાર સંજય મહિડા નામના યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે  રાજપાલ ચરપોટાને ગંભીર ઈજાઓ થતાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને યુવકો મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના લૂખીપાડા ગામના રહેવાસી છે તેમજ બન્ને સંબંધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  અકસ્માતનો ભોગ બનેલા સંજય મહિડા અને રાજપાલ ચરપોટા લાંબા સમયથી સુરત ખાતે રહીને કામ કરતા હતા. દિવાળીની રજાઓ શરૂ થતા તેઓ પોતાના ઘરે તહેવાર મનાવવા માટે બાઇક દ્વારા રતલામ જવા માટે રવાના થયા હતા. વડોદરાના જાંબુવા બ્રિજ પાસે પહોંચતા જ અચાનક આ ગોઝારી ઘટના બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર સંજય મહિડા બે સંતાનોના પિતા હતા. તેઓના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજપાલ ચરપોટાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતના આ બનાવની જાણ થતાં જ કપૂરાઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. હાલ અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે, અકસ્માતનું સાચું કારણ પોલીસ તપાસ અને એફએસએલ રિપોર્ટ બાદ જ બહાર આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular