નવી દિલ્હી, 2 નવેમ્બર 2026: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી મુશ્કેલીઓમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. કથિત 200 કરોડ રૂપિયાના રંગદારી અને જબરન વસૂલી કેસમાં સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મામલામાં નોરા સોમવારે દિલ્હીની રાઉઝ એવિન્યુ કોર્ટમાં હાજર રહી નહોતી. અભિનેત્રીએ પ્રોસિક્યુશનના સાક્ષી તરીકે પોતાનું નિવેદન નોંધાવવાનું હતું, પરંતુ તેઓ હાજર ન રહેતા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નોરાના વકીલે કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી હતી, જેના પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે ટકોર કરી હતી કે અદાલતી કાર્યવાહીને ક્યારેય હળવાશથી લઈ શકાય નહીં.
કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે આગામી ૬ નવેમ્બરની તારીખ નક્કી કરી છે, અને હવે નોરા ફતેહીએ તે દિવસે ફરજિયાતપણે ગવાહી માટે અદાલતમાં હાજર રહેવું પડશે. સોમવારે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમને અગાઉથી કોઈ જાણકારી નહોતી કે નોરા કોર્ટમાં આવશે કે નહીં. પોલીસે સ્પષ્ટ કર્યું કે અભિનેત્રીને ગત 22 ઓક્ટોબરે જ ઈમેલ, વોટ્સએપ અને ફોન કોલ દ્વારા સત્તાવાર નોટિસ મોકલી દેવામાં આવી હતી, છતાં તેમની તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અગાઉની સુનાવણીમાં પણ રાઉઝ એવિન્યુ કોર્ટે તેમને 2 નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કડક નિર્દેશ આપ્યો હતો.
નોરા ફતેહીનું નામ આ હાઈપ્રોફાઈલ કેસની ત્રીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં સરકારી સાક્ષી તરીકે સામેલ છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, સુકેશ ચંદ્રશેખરે જેલની અંદરથી જ અબજો રૂપિયાની ઠગાઈનું નેટવર્ક ચલાવ્યું હતું. આ મામલાની એફઆઈઆર ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહ દ્વારા નોંધાવવામાં આવી હતી. આરોપ હતો કે સુકેશે સરકારી અધિકારી તરીકે ઓળખ આપીને તેના પતિને જેલમાંથી મુક્ત કરાવવાના બહાને કરોડો રૂપિયા પડાવ્યા હતા. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કરવામાં આવેલી તપાસમાં બોલિવૂડની અનેક અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા હતા, જેમાં નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય છે. એજન્સીઓના મતે, પિંકી ઈરાની નામના શખ્સે સુકેશની ઓળખ અને પ્રભાવ ઊભો કરીને આ અભિનેત્રીઓની તેની સાથે મુલાકાત કરાવી હતી.
-
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો
સેપ્ટેમ્બર 2022માં EOW એ નોરાની લાંબી પૂછપરછ કરી હતી. તે સમયે નોરાએ જણાવ્યું હતું કે તે સુકેશની પત્ની લીના મારિયા પાલ દ્વારા આયોજિત એક ચેરિટી શોમાં સામેલ થઈ હતી, જ્યાં તેમને લીના દ્વારા ગુચ્ચીની બેગ અને આઈફોન ભેટમાં આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોન પર તેમની વાત સુકેશ સાથે કરાવાયી હતી, અને સુકેશે પોતાને તેનો પ્રશંસક ગણાવીને બીએમડબલ્યુ કાર આપવાની ઓફર કરી હતી.
નોરાના જણાવ્યા મુજબ, કાર બાબતે ‘શેખર’ નામના વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે કાર લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને તેના રિલેટિવ બોબી ખાનનો નંબર આપી દીધો હતો. બાદમાં તપાસમાં તે બીએમડબલ્યુ કાર બોબી ખાનના નામે રજીસ્ટર્ડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં બોબીએ સુકેશ પાસેથી આશરે ૬૫ લાખ રૂપિયાની કિંમતની કાર સ્વીકારી હોવાનું કબૂલ્યું હતું. નોરાએ શરૂઆતથી જ દાવો કર્યો છે કે તે આ સમગ્ર કાવતરામાં માત્ર એક પીડિત છે અને તેને સુકેશની અસલી અપરાધિક પૃષ્ઠભૂમિ અંગે કોઈ અગાઉથી જાણકારી નહોતી.
બીજી બાજુ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડ્ર્રિંગના એંગલથી પણ તપાસ ચલાવવામાં આવી હતી. આ કેસમાં મોંઘી ભેટો સ્વીકારવા બદલ જેકલીન ફર્નાન્ડીઝને આરોપી બનાવવામાં આવી છે, જ્યારે નોરા ફતેહીને તપાસમાં સાક્ષી તરીકે રાખવામાં આવી છે. આ વિવાદ વચ્ચે નોરાએ અગાઉ જેકલીન ફર્નાન્ડીઝ અને કેટલાક મીડિયા હાઉસ સામે બદનક્ષીનો દાવો પણ દાખલ કર્યો હતો.


