અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : 61 illegal Bangladeshis arrested શહેર ક્રાઈમ બ્રાન્ચે આપરેશન હાથ ધરીને શહેરમાંથી ફરી એકવાર 40 મહિલાઓ અને 5 બાળકો સહિત 61 જેટલા બાંગ્લાદેશીને ઝડપી લીધા છે. પકડાયેલી 40 બાંગ્લાદેશી મહિલાઓ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં પ્રવેશી અમદાવાદમાં રહેતી હતી. અને સ્પામાં કામ કરતી હતી. તંત્ર દ્વારા તમામની અટકાયત કરી ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ વ્યાપક અને સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ અભિયાન દરમિયાન મુખ્યત્વે બાંગ્લાદેશના વતની એવા કુલ 61 ગેરકાયદેસર વિદેશી નાગરિકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. શહેરના વિવિધ ઝોનમાં સઘન બાતમી અને ગુપ્ત માહિતી એકત્રિત કરી, સુઆયોજિત રીતે સંકલિત દરોડા પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ અને ચકાસણી માટેની કડક પ્રક્રિયા તેમજ તેમની વિરુદ્ધ કાયદેસરની નિર્ણાયક કાર્યવાહી આગામી દિવસોમાં પણ અવિરત ચાલુ રાખવામાં આવશે, જેથી તહેવારોના સમયગાળા દરમિયાન તેમજ ત્યારબાદ પણ તમામ નાગરિકોની શાંતિ, સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. હાલ અટકાયતમાં લેવામાં આવેલા વિદેશી નાગરિકો સામેની કાયદેસરની કાર્યવાહી તથા દેશનિકાલ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આ પહેલા જૂન 2026માં પણ પોલીસે ગુજરાતભરમાં ઓપરેશન ડેલ્ટા ચલાવ્યું હતું. જેમાં બે દિવસમાં જ રાજ્યભરમાંથી 501 ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાંથી જ માત્ર 192 ગેરકાયદે બાંગ્લાદેશી પકડાયા હતા. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસમાં બાંગ્લાદેશી નાગરિકો પકડવામાં આવ્યા છે.


