અમદાવાદ, 03 નવેમ્બર, 2026 : Elderly couple dies after car overturns while trying to save biker જિલ્લાના માંડલ-માલણપુર રોડ પર કારચાલકે સામેથી આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પર પલટી ખાઈને ઝાડ સાથે અથડાતા કારમાં સવાર વદ્ધ દંપત્તીનું મોત નિપજ્યું હતું. કારચાલક રાકેશભાઈએ અકસ્માત અંગે પોતાના પરિવારજનોને ફોન કરીને ઘટનાની જાણ કરતા નજીકના ગામમાં રહેતા પરિવારજનો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામના 71 વર્ષીય જલાભાઈ મોતીભાઈ ડોડીયા અને તેમનાં 67 વર્ષીય પત્ની દેવીબેનની માંડલ ખાતે દવા ચાલતી હતી. જેથી તેમનો પુત્ર રાકેશ ડોડીયા પોતાની ગ્રાન્ડ i10 કાર (નંબર GJ-38-BB-0238)માં માતા-પિતાને બેસાડીને દવા કરાવવા માટે માંડલ લઈ ગયો હતો. દવા કરાવીને ત્રણેય સવારના આશરે 11 વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી રહ્યાં હતાં. ત્યારે માલણપુર ગામ નજીક સામેથી એક બાઇક આવતાં તેને બચાવવાના પ્રયાસમાં કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રોડની નીચે નાળામાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના બનાવ અંગે કારચાલક રાકેશભાઈએ પોતાના પરિવારજનોને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. જલાભાઈ અને દેવીબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી બન્નેના મોત નિપજ્યા હતા. ત્યારબાદ બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પાટડી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઇ વાય. જી. ઉપાધ્યાય ચલાવી રહ્યા છે.


