નવી દિલ્હી, 2 નવેમ્બર 2026: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ઊર્જા કટોકટી અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની પ્રગતિ પર ગર્વ વ્યક્ત કર્યો છે. સોમવારે (2 નવેમ્બર, 2026) નવી દિલ્હી ખાતે આયોજિત ‘ઈન્ડિયા રિન્યુએબલ એનર્જી સમિટ એન્ડ એક્સ્પો’ને સંબોધિત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે કોરોના મહામારીથી લઈને પશ્ચિમ એશિયાની કટોકટી જેવા ગંભીર સંકટો જોવા મળ્યા છે, છતાં 140 કરોડ ભારતીયોએ આ પરિસ્થિતિનો સામનો ખૂબ જ ઉત્તમ રીતે કર્યો છે અને દેશનો વિકાસ દર ઊંચો જળવાઈ રહ્યો છે.
વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દેશે સમયસર ક્લીન એનર્જી ક્ષેત્રે રોકાણ ન કર્યું હોત અને નવી વ્યવસ્થાઓ ઊભી ન કરી હોત, તો ભારત પર આ વૈશ્વિક કટોકટીની અસર દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઘણી વધારે ગંભીર હોત. આ વર્ષે વિશ્વભરમાં ‘એનર્જી શૉક’ની ચર્ચા થઈ રહી છે ત્યારે રિન્યુએબલ એનર્જીનું મહત્ત્વ વધુ સ્પષ્ટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ સમિટ સાથે જ ‘ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ’ની 9મી એસેમ્બલી પણ યોજાઈ રહી છે.
છેલ્લા 12 વર્ષોમાં ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરની સફર અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે દેશે COP26 દરમિયાન જે વચનો આપ્યા હતા, તેને પૂર્ણ કરીને બતાવ્યા છે. ભારતે વર્ષ 2021માં સંકલ્પ કર્યો હતો કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવાટ નોન-ફોસિલ ફ્યુઅલ આધારિત ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવશે. પેરિસ કરાર હેઠળ ભારતનું લક્ષ્ય પોતાની કુલ વીજ ક્ષમતાના 50 ટકા હિસ્સો નોન-ફોસિલ ફ્યુઅલ સ્ત્રોતોમાંથી મેળવવાનો હતો, જે ભારતે નિર્ધારિત સમય કરતા પૂરા 5 વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2025માં જ હાંસલ કરી લીધો છે. આજે ભારતમાં કુલ ઉત્પાદિત થતી વીજળીનો 50 ટકાથી વધુ હિસ્સો માત્ર નોન-ફોસિલ ફ્યુઅલ સ્ત્રોતોમાંથી જ આવી રહ્યો છે, જે દેશની આત્મનિર્ભરતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની મોટી સાબિતી પૂરી પાડે છે.


